Video: થાઈલેન્ડના ફૂકેટમાં રિસોર્ટમાં ભીષણ આગ, 11 લોકોના કરુણ મોત

થાઈલેન્ડના લોકપ્રિય પ્રવાસન સ્થળ અને દક્ષિણી રિસોર્ટ ટાપુ ફુકેટમાં વહેલી સવારે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નિપજ્યાં છે અને અંદાજે 16 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના સમયે મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હોવાથી તેઓને પોતાની જાતને સંભાળવાની પણ તક મળી ન હતી. ફુકેટના પશ્ચિમી કિનારે આવેલા પ્રખ્યાત પાતોંગ બીચ નજીકના ફાંગ મુઆંગ સાઈ કોર રોડ સ્થિત એક કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ ઇમારતમાં વાહનો ભાડે આપવાનો વ્યવસાય ચાલતો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તે ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આસપાસની અન્ય ઇમારતોને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ અંદાજે 40થી 50 મિનિટથી લઈને બે કલાકની ભારે જહેમત બાદ મોટા પાયે અભિયાન ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.




