હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની સેનાને મળી અમેરિકા વિરુદ્ધ સફળતા

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સૈન્ય તણાવ (Military Tension) વચ્ચે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નજીક અમેરિકાનું એક જાસૂસી ડ્રોન પકડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે. IRGCની નૌકાદળે જણાવ્યું કે તેની ઇલેક્ટ્રોનિક વોરફેર (Electronic Warfare) યુનિટે કેશમ ટાપુ (Qeshm Island)ની દક્ષિણે અમેરિકી MQM-170 ડ્રોનને સુરક્ષિત રીતે નીચે ઉતારી કબજામાં લીધું છે.
ઇલેક્ટ્રોનિક વોરફેરથી ડ્રોનને ઉતાર્યાનો દાવો
IRGCના નિવેદન અનુસાર, અમેરિકી ડ્રોન હોર્મુઝ સ્ટ્રેટ અને કેશમ ટાપુની આસપાસ જાસૂસી મિશન પર હતું. તેનો હેતુ આ વિસ્તારમાં તૈનાત સંરક્ષણ વ્યવસ્થા (Defence System) અને ઇલેક્ટ્રોનિક વોરફેર ક્ષમતાઓ વિશે માહિતી મેળવવાનો હતો. ઈરાની નૌકાદળે દાવો કર્યો છે કે તેના સૈનિકોએ ઇલેક્ટ્રોનિક વોરફેર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના નીચે ઉતાર્યું હતું. હાલ IRGCના નિષ્ણાતો આ ડ્રોનની તપાસ કરી રહ્યા છે.
હોર્મુઝ નજીક અત્યાર સુધી 8 ડ્રોન કબજે કર્યાનો દાવો
IRGCના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારનું MQM-170 ડ્રોન ઇલેક્ટ્રોનિક વોરફેર દ્વારા કબજે કરવાની આ ચોથી ઘટના છે. ઈરાની એર ડિફેન્સ યુનિટ્સે અત્યાર સુધી હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવા કુલ 8 ડ્રોન સુરક્ષિત સ્થિતિમાં કબજે કર્યા હોવાનો પણ દાવો કર્યો છે.
થોડા દિવસ પહેલાં MQ-1 ડ્રોન તોડી પાડ્યું હતું
ઈરાનના દાવા પ્રમાણે, થોડા દિવસ પહેલાં તેની સેનાએ કેશમ ટાપુ નજીક અમેરિકાના MQ-1 ડ્રોનને હવાઈ સંરક્ષણ (Air Defence) સિસ્ટમની મદદથી તોડી પાડ્યું હતું. આ IRGC દ્વારા તોડી પાડવામાં આવેલું 16મું MQ-1 ડ્રોન હોવાનું જણાવાયું છે. નોંધનીય છે કે અમેરિકાએ વર્ષ 2018માં MQ-1 ડ્રોનને સત્તાવાર રીતે સેવામાંથી નિવૃત્ત કર્યું હતું. જોકે, ઈરાનના દાવા મુજબ અમેરિકા હજુ પણ કેટલાક વિસ્તારોમાં સૈન્ય કાર્યવાહીમાં તેનો ઉપયોગ કરે છે. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને હોર્મુઝ સ્ટ્રેટનું વ્યૂહાત્મક મહત્ત્વ જોતાં આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




