હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ નૌકાઓમાં વિસ્ફોટ બાદ આગ, દરિયાઈ સુરંગોથી મોટું નુકસાન

હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માં દરિયાઈ સુરંગો (Sea Mines)ના કારણે ફરી એકવાર મોટો અકસ્માત સર્જાયો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નૌસેનાએ દાવો કર્યો છે કે ઈરાન દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા દરિયાઈ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલાં બે ઓઇલ ટેન્કર અને એક અન્ય નૌકાની દરિયાઈ સુરંગ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ ત્રણેય નૌકાઓમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. જેના કારણે નૌકાઓને ભારે નુકસાન થયું હતું.
પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ
IRGCની નૌસેનાના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા ગેરકાયદેસર જાહેર કરાયેલા માર્ગ પરથી બે ઓઇલ ટેન્કર પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન બંને જહાજો દરિયાની અંદર બિછાવવામાં આવેલી સુરંગોના સંપર્કમાં આવ્યાં હતાં. ટક્કર થતાં જ વિસ્ફોટ થયો હતો અને જહાજોમાં આગ ફાટી નીકળી હતી. આ ઉપરાંત, આ જ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલી અન્ય એક નૌકામાં પણ સુરંગ સાથે ટક્કર બાદ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેમાં આગ લાગી હતી. જોકે, આ ઘટનામાં જાનહાનિ થઈ છે કે નહીં અને નૌકાઓ કયા દેશની હતી તે અંગેની વિગતો સામે આવી નથી.
દરિયાઈ સુરંગો બની જહાજો માટે જોખમ
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે દરિયાઈ પરિવહન (Maritime Traffic) પર ગંભીર અસર પડી છે. ઈરાન દ્વારા કેટલાક દરિયાઈ માર્ગો પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અમેરિકી નૌસેના આ વ્યૂહાત્મક જળમાર્ગમાં જહાજોની સામાન્ય અવરજવર ફરી શરૂ કરવાનો દાવો કરી રહી છે. અહેવાલો અનુસાર, કેટલાક જહાજો ઈરાની નૌસેનાની નજરથી બચવા માટે પોતાના નેવિગેશન અને રડાર સિસ્ટમ બંધ કરીને પસાર થવાનો પ્રયાસ કરે છે. જોકે, પાણીની અંદર બિછાવવામાં આવેલી દરિયાઈ સુરંગોને કારણે તેમનું જોખમ વધી જાય છે.
સુરંગો હટાવવાના અમેરિકાના દાવા સામે સવાલ
અમેરિકી નૌસેનાએ અગાઉ હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સુરંગો હટાવી દેવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. જોકે, ઈરાની નૌસેનાએ આ દાવાને નકારી કાઢ્યો હતો. હવે ત્રણ નૌકાઓમાં થયેલા વિસ્ફોટની ઘટનાએ આ વિસ્તારમાં સુરંગોની હાજરી અને દરિયાઈ સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા કર્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનો એક છે. અહીં વધતા જોખમની અસર આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને વૈશ્વિક ઊર્જા પુરવઠા (Energy Supply) પર પણ પડી શકે છે.




