ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારત સહિત ચાર દેશોના જહાજોને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માંથી અવરજવર કરવાની મંજૂરી આપી છે. ઈરાની સંસદની સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે ભારત, ચીન, ઈરાક અને કતારના જહાજોને આ દરિયાઈ માર્ગેથી પસાર થવામાં રોકટોક કરવામાં આવશે નહીં.
ભારતીય જહાજોને ઈરાન તરફથી મદદ
ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ચારેય દેશો સાથેના પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ઈરાન ભારતીય જહાજોને હોર્મુઝમાંથી પસાર થવામાં મદદ કરી રહ્યું છે, જેથી ભારતમાંથી દવાઓની આયાત વધારી શકાય. બીજી તરફ, ચીનના જહાજોને આપવામાં આવેલી છૂટ પાછળ બેઇજિંગનું રાજકીય સમર્થન મેળવવાનો હેતુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ભારત અને ચીન પાસેથી ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલાશે
જોકે, આ છૂટનો અર્થ સંપૂર્ણપણે મફત અવરજવર એવો નથી. ઈરાન ભારત અને ચીનનાં જહાજો પાસેથી હોર્મુઝના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવા માટે ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલે છે. જ્યારે કતારનાં જહાજોને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વિના પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. ઈરાકી જહાજો પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે કે નહીં તે અંગે ઈરાની અધિકારીએ સ્પષ્ટતા કરી નથી.
શા માટે મહત્વપૂર્ણ છે હોર્મુઝનો દરિયાઈ માર્ગ?
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતો આ માર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંત મહત્ત્વનો છે. ગલ્ફ દેશોમાંથી આંતરરાષ્ટ્રીય બજારો સુધી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનો પુરવઠો આ જ માર્ગે થાય છે. યુદ્ધને કારણે આ માર્ગ પર સર્જાયેલી અનિશ્ચિતતાની અસર વૈશ્વિક તેલના ભાવ અને વેપાર પર પડી શકે છે. આવી સ્થિતિમાં ભારતને મળેલી આ છૂટ ઊર્જા પુરવઠા અને દરિયાઈ વેપારની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.






