Video: મોદી કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય! એનર્જી અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારત બનશે 'સુપરપાવર', અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત

ભારતના એનર્જી સેક્ટર અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગને નવી ઊંચાઈએ લઈ જવા માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કુલ 92 ગીગાવોટ-અવર્સ (GWh) ક્ષમતા ધરાવતી ગ્રીડ-સ્કેલ એનર્જી સ્ટોરેજ સ્કીમ તેમજ દેશના 24 ક્રિટિકલ મિનરલ્સ (જરૂરી ખનિજો) માટે પ્રોસેસિંગ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
કેબિનેટ બેઠક બાદ પત્રકારોને સંબોધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, "ગ્રીડ-લેવલ પર ઊર્જા સંગ્રહ ક્ષમતા વધારવા માટે 92 GWh પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે. આમાંથી 30 GWh ક્ષમતા બેટરી સ્ટોરેજ માટે અને 60 GWh પમ્પડ-હાઈડ્રો સ્ટોરેજ માટે ફાળવવામાં આવશે. આ યોજના રાજ્ય સરકારોના સહયોગથી સમગ્ર દેશમાં લાગુ કરાશે."
ક્રિટિકલ મિનરલ્સ સ્કીમથી ઈલેક્ટ્રોનિક્સ-ડિફેન્સને મળશે બૂસ્ટ
કેન્દ્રીય મંત્રીએ બીજા મોટા નિર્ણયની માહિતી આપતાં જણાવ્યું કે, ઓળખાયેલા તમામ 24 અત્યંત મહત્વપૂર્ણ ખનિજો (Critical Minerals)ના સ્થાનિક પ્રોસેસિંગ માટે નવી યોજનાને મંજૂરી મળી છે. ખનન (માઈનિંગ) અથવા રિસાયક્લિંગ દ્વારા મેળવાયેલા કાચા ખનિજોને ઉદ્યોગોના વપરાશ લાયક બનાવવાનું કામ આ સ્કીમ હેઠળ થશે.
આ પગલાથી સેમિકન્ડક્ટર, બેટરી મેન્યુફેક્ચરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ સાધનો (Defense), ભારે મશીનરી અને હાઈ-ટેક ઉપકરણો બનાવતા ભારતીય ઉદ્યોગોને સ્થાનિક સ્તરે જ તૈયાર કાચો માલ મળશે, જેથી વિદેશી નિર્ભરતામાં મોટો ઘટાડો થશે.









