Video: વિદેશથી મદદ લેવાના આરોપ મુદ્દે રાહુલ ગાંધીનો પ્રહાર

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંકતા એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે, મોદી વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે અને વિદેશી મદદના આધારે જ પદ પર ટકી રહ્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, મોદીજી, આ દેશ સાથે જૂઠું બોલવાનું બંધ કરો. તમે વિદેશી મદદથી પીએમ બન્યા છો અને વિદેશી મદદથી જ પીએમ બનેલા છો. તમારી આર્થિક વ્યવસ્થા સંપૂર્ણપણે વિદેશીઓના નિયંત્રણ અને સમર્થન પર ચાલે છે. વિદેશી સોશિયલ મીડિયા પણ સંપૂર્ણ રીતે તમારી સાથે ઊભું છે. પોતાની વાત આગળ વધારતા રાહુલે વડાપ્રધાન મોદીને સીધો પડકાર ફેંકતા કહ્યું કે, હું તમને આ મુદ્દે ખુલ્લી ચર્ચા માટે પડકાર આપું છું. કોઈપણ મંચ અને કોઈપણ સમય નક્કી કરી લો, જો હિંમત હોય તો આવો. જોકે તમે નહીં આવો, કારણ કે હું તમારા વિશે જે વાતો જાણું છું તેનાથી તમે ડરો છો.





