પંજાબ ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો: બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ

પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election 2027) પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના બે વર્તમાન ધારાસભ્યો હરમીત સિંહ પઠાણમાજરા અને ચેતન સિંહ જોડામાજરાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બંને નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે તેવી અટકળો વચ્ચે પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ રાજીનામા
આમ આદમી પાર્ટીએ 31 ઓક્ટોબરે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની પ્રથમ યાદી (Candidate List) જાહેર કરી હતી. તેના બીજા જ દિવસે બંને ધારાસભ્યોએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. હરમીત સિંહ પઠાણમાજરા પટિયાલા જિલ્લાના સનૌર (Sanaur) વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ચેતન સિંહ જોડામાજરા સમાણા (Samana) બેઠકના ધારાસભ્ય છે. બંને નેતાઓ પ્રથમ યાદીમાં સ્થાન મેળવી શક્યા નહોતા.
પાર્ટીથી નારાજગીનાં કારણો
ચેતન સિંહ જોડામાજરા અગાઉ ભગવંત માન સરકારમાં કેબિનેટ મંત્રી (Cabinet Minister) રહી ચૂક્યા છે. જોકે, મંત્રીમંડળમાં ફેરફાર બાદ તેમને મંત્રીપદેથી દૂર કરવામાં આવ્યા હતા. સમાણા બેઠક પર પાર્ટીએ નવા હલકા ઇન્ચાર્જની નિમણૂક કરતાં તેમની રાજકીય ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા હતા. બીજી તરફ, હરમીત સિંહ પઠાણમાજરા અને પાર્ટી નેતૃત્વ વચ્ચે અગાઉથી જ મતભેદ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બંને નેતાઓએ રાજીનામા આપ્યા બાદ પાર્ટી સાથેની નારાજગીનો સંકેત આપ્યો છે.
ભાજપમાં જોડાવાની અટકળો તેજ
બંને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓએ પંજાબના રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. જોકે, ભાજપમાં જોડાવા અંગે બંને તરફથી સત્તાવાર જાહેરાત થઈ નથી. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી આગામી ચૂંટણી માટે પોતાની તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. બે ધારાસભ્યોના રાજીનામાથી પાર્ટીની આંતરિક સ્થિતિ અને ચૂંટણીની રણનીતિ અંગે નવા સવાલો ઊભા થયા છે. હવે બંને નેતાઓના આગામી રાજકીય નિર્ણય અને ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત પર સૌની નજર છે.







