પંજાબ ચૂંટણી 2027: AAPનો મોટો દાવ! 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ભગવંત માન આ બેઠક પરથી લડશે ચૂંટણી!

પંજાબ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. અન્ય રાજકીય પક્ષો કરતાં આગળ નીકળીને આમ આદમી પાર્ટી (AAP) એ પોતાના 40 ઉમેદવારોની પ્રથમ સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. પક્ષના ટોચના નેતૃત્વ અને પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) સાથેના ઊંડા મંથન બાદ આ નામો પર અંતિમ મહોર મારવામાં આવી છે. જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં મુખ્યમંત્રી ભગવંત માનને તેમની પરંપરાગત બેઠક ધૂરીથી જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રીઓ, અગ્રણી ધારાસભ્યો અને સંગઠનના અગ્રણી ચહેરાઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
પ્રથમ યાદીના મુખ્ય ચહેરાઓ અને બેઠકો
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા મોટા નામોમાં મુખ્યમંત્રી ભગવંત માનને ફરીથી ધૂરી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. જ્યારે અન્ય મહત્વના ઉમેદવારોમાં નીચે મુજબના નામોનો સમાવેશ થાય છે.
અજનાલા: કુલદીપ સિંહ ધાલીવાલ
તરનતારન: હરમીત સિંહ સંધૂ
કોટકપુરા: કુલતાર સિંહ સંધવાં
લુધિયાણા વેસ્ટ: સંજીવ અરોરા
બટાલા: અમનશેર સિંહ (શેરી કલસી)
અમૃતસર સાઉથ: ડૉ. ઇન્દરબીર સિંહ નિજ્જર
કરતારપુર: બલકાર સિંહ
રૂપનગર: દિનેશ ચઢ્ઢા
એસ.એ.એસ. નગર (મોહાલી): કુલવંત સિંહ
સરદુલગઢ: ગુરપ્રીત સિંહ બનાવાલી
ભદૌડ: લાભ સિંહ ઉગોકે
પટિયાલા: અજીતપાલ સિંહ કોહલી
કેજરીવાલ અને સિસોદિયા સાથે મહત્વપૂર્ણ બેઠક બાદ નિર્ણય
ઉમેદવારોની જાહેરાત પૂર્વે મુખ્યમંત્રી ભગવંત માને પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ બાબતોના પ્રભારી મનીષ સિસોદિયા સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીની પંજાબ એકમના અધ્યક્ષ અમન અરોરા અને રાજ્યના નાણામંત્રી હરપાલ સિંહ ચીમા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. બેઠક બાદ શોર્ટલિસ્ટ કરાયેલા નામો પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) સમક્ષ મોકલવામાં આવ્યા હતા, જેની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેર કરાયેલા તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી છે.














