Video: ડ્રગ માફિયા સામે ભગવંત માન સરકારે ટેકવ્યા ઘૂંટણ? તરુણ ચુઘે ખોલી પંજાબની સુરક્ષા વ્યવસ્થાની પોલ!

પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ તરુણ ચુઘે આમ આદમી પાર્ટી (AAP) અને મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા છે. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે દાવો કર્યો હતો કે પંજાબ સરકાર માફિયાઓ સામે સંપૂર્ણપણે સરેન્ડર થઈ ચૂકી છે અને રાજ્ય હવે દેશનું 'ક્રાઈમ કેપિટલ' બની ગયું છે.
તરુણ ચુઘે જણાવ્યું હતું કે, "પંજાબમાં કાયદો અને વ્યવસ્થા અત્યંત ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહી છે. મુખ્યમંત્રી, જેઓ ખુદ ગૃહ વિભાગ સંભાળે છે, તેમને રાજ્યની જરાય ચિંતા નથી. રાજ્યમાં ૨૩ પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલા કરવામાં આવ્યા છે અને પંજાબ પોલીસ હેડક્વાર્ટરને તો રોકેટ લોન્ચર વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જવાનોને ગણવેશ પહેરીને ઘરે ન જવાની સૂચના આપવી પડી છે. સામાન્ય નાગરિકની સુરક્ષાના પ્રતીક સમાન પોલીસ વર્દી અને પોલીસ સ્ટેશન બંને આજે ભયના ઓથાર હેઠળ છે."
તેમણે ડ્રગ્સ અને ગેંગસ્ટર્સના મુદ્દે સરકારને ઘેરતા ઉમેર્યું હતું કે, "પંજાબ સરકાર સંપૂર્ણપણે માફિયાઓ સામે ઘૂંટણિયે પડી ગઈ છે. આજે આખું રાજ્ય ડ્રગ માફિયાઓના કબજામાં છે. દરેક ગલી, મહોલ્લા અને ગામડાંઓમાં ખુલ્લેઆમ નશો વેચાઈ રહ્યો છે, જેને રોકવામાં ભગવંત માન સરકાર સદંતર નિષ્ફળ રહી છે. રાજ્યમાં દરરોજ હત્યાઓ થઈ રહી છે અને ખંડણીખોરી ચરમસીમાએ છે. લોકો પર હુમલા થઈ રહ્યા છે અને ડરના કારણે વેપારીઓ ખંડણી આપી રહ્યા છે."
તેમણે છેલ્લે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓના દબાણ હેઠળ એક સમયે બહાદુર ગણાતી પંજાબ પોલીસ આજે લાચાર બની ગઈ છે, ગેંગસ્ટરો બેખોફ ફરી રહ્યા છે અને સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે.








