વાવાઝોડું ‘અર્ણબ’ની અસર: ઓડિશામાં ભારે વરસાદ, 30 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

વાવાઝોડું ‘અર્ણબ’ બુધવારે સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ ઓડિશાના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવનની અસર જોવા મળી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે 30 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થયા છે અને સંચાર વ્યવસ્થાને પણ અસર પહોંચી છે. રાહત અને બચાવ કામગીરી માટે ઇમરજન્સી ટીમોને તૈનાત કરવામાં આવી છે.
ઓડિશાના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ
ઓડિશાના સુંદરગઢ, ઝારસુગુડા, સંબલપુર, દેવગઢ, મયુરભંજ, અંગુલ, ઢેંકનાલ, કેઓંઝર, બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, જગતસિંહપુર અને કટક સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની શક્યતાને પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય રીતે 30થી 40 કિમી પ્રતિ કલાક અને કેટલાક સ્થળોએ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે મલકાનગિરી જિલ્લામાં વાવાઝોડાની અસર વધુ જોવા મળી શકે છે. બીજી તરફ, ગંજામ, ગજપતિ અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ અને પવનને કારણે નુકસાન થયું છે.
વાવાઝોડું નબળું પડવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, જમીન પર ત્રાટક્યા બાદ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. આગામી છ કલાકમાં તે વધુ નબળું પડી ચક્રવાતી તોફાન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આગામી 48 કલાક દરમિયાન આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં છત્તીસગઢ તરફ આગળ વધતાં ધીમે-ધીમે નબળી પડવાની સંભાવના છે.
વૃક્ષો પડતાં રસ્તાઓ બંધ, 2,037 આશ્રયસ્થાનો તૈયાર
વાવાઝોડાની અસરથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. કેટલાક ઘરોને પણ નુકસાન થયું છે. રસ્તાઓ પરથી કાટમાળ અને વૃક્ષો હટાવવા તેમજ સંચાર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા ઇમરજન્સી ટીમો સતત કામગીરી કરી રહી છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા આશરે 2,037 ચક્રવાત આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યાં છે.
ગુજરાતમાં સીધી અસર નહીં, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા
વાવાઝોડું ‘અર્ણબ’થી ગુજરાતમાં સીધું મોટું નુકસાન થવાની શક્યતા ન હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે, 29 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં પવનની ગતિ વધી શકે છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે.














