મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: 170 કિમીની ઝડપે ત્રાટકશે 'અર્નબ' વાવાઝોડું! દેશના 8થી વધુ રાજ્યોમાં ભારે તબાહીની આશંકા, રેડ એલર્ટ જાહેર!

સોર્સ: gstv

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' હવે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરીને ઝડપથી કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સવારે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે, યનમ નજીકના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે. લેન્ડફોલ સમયે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 125 થી 135 કિમી પ્રતિ કલાક રહી શકે છે, જ્યારે પવનના તેજ ઝાપટાં 170 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન છે. વાવાઝોડાના પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણા સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

આંધ્રપ્રદેશમાં દરિયાકાંઠે ભારે તારાજીનું સંકટ

ચક્રવાત અર્નબ હાલ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સક્રિય રહી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. કાંઠા પર પહોંચતાની સાથે જ દરિયામાં વિશાળ મોજાં ઉછળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ભારે આશંકા છે. પૂર્વ ગોદાવરી જિલ્લાના કાકીનાડા અને યનમ આસપાસ દરિયાઈ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે કાકીનાડા બંદરે તમામ માછીમારી બોટો લંગારી દેવાઈ છે અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.

વિશાખાપટ્ટનમમાં ભારે વરસાદ અને વૃક્ષો ધરાશાયી

વાવાઝોડાની અસરથી વિશાખાપટ્ટનમમાં ભારે પવન અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના કોન્વેન્ટ જંકશન ખાતે રેલવે ટ્રેક નીચે બનેલા સબવેમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. શહેરમાં અનેક સ્થળોએ વિશાળ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે, જેમાં મહારાણીપેટા વિસ્તારમાં એક ઘર પર મોટું વૃક્ષ પડ્યું હતું. સરકારી ઈએનટી હોસ્પિટલ નજીક અને વાયએમસીએ બીચ વિસ્તારમાં ભારે પવન સાથે નુકસાન નોંધાયું છે, જ્યાં પાલિકા અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો કાટમાળ હટાવી રસ્તાઓ ખુલ્લા કરી રહી છે.

દક્ષિણ મધ્ય રેલવે દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને દક્ષિણ મધ્ય રેલવે (SCR) અને સાઉથ કોસ્ટ રેલવેએ વિશેષ સાવચેતીના પગલાં લીધા છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના રેડ ઍલર્ટને પગલે અસરગ્રસ્ત રૂટ પરથી પસાર થતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તેમના રૂટ બદલવામાં આવ્યા છે. રેલવે પ્રશાસને મુસાફરોને મુસાફરી શરૂ કરતાં પહેલાં ટ્રેનનું સ્ટેટસ તપાસી લેવા અનુરોધ કર્યો છે.

ઓડિશાના 5 જિલ્લામાં રેડ એલર્ટ અને વ્યાપક સ્થળાંતર

ઓડિશાના ગંજમ સહિત દક્ષિણના 5 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ ઍલર્ટ આપ્યું છે, જ્યાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગંજમ જિલ્લામાં 922 જેટલા ગામોને સંવેદનશીલ જાહેર કરાયા છે અને 6,500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વહીવટીતંત્રે 110 કાયમી અને 1,000 અસ્થાયી આશ્રયસ્થાનો તૈયાર રાખ્યા છે, જ્યારે NDRF અને ODRAFની ટીમો તહેનાત કરી દેવાઈ છે. ગજપતિ જિલ્લામાં પડેલા વૃક્ષો હટાવીને ઇમરજન્સી ટીમોએ રસ્તાઓ પૂર્વવત કર્યા છે.

છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં એલર્ટ

વાવાઝોડાની અસર મધ્ય અને પૂર્વ ભારતમાં પણ વિસ્તરી રહી છે. છત્તીસગઢમાં 28 ઑક્ટોબરના રોજ અતિભારે વરસાદની ચેતવણી સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા દર્શાવી છે. ઝારખંડના રાંચીમાં ભારે વરસાદ અને તેજ પવનને લઈને 28 અને 29 ઑક્ટોબર માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો છે, જ્યાં કેટલાક સ્થળોએ વીજપોલ અને મકાનોને નુકસાન પહોંચ્યું છે.

તેલંગાણા, વિદર્ભ અને મધ્યપ્રદેશમાં મૂશળધાર વરસાદની શક્યતા

તેલંગાણા અને વિદર્ભમાં 28 ઑક્ટોબરના રોજ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વીય મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે પશ્ચિમી મધ્યપ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. સ્થાનિક લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં હવામાન પલટાશે

ઉત્તર ભારતમાં વાવાઝોડાના પ્રભાવથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેમજ વાદળછાયું વાતાવરણ રહેશે. 29 અને 30 ઑક્ટોબરના રોજ દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડવાનું અનુમાન છે. ઉત્તરપ્રદેશમાં 29 અને 30 ઑક્ટોબરના રોજ પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તરાખંડમાં 28 ઑક્ટોબરથી 2 નવેમ્બર વચ્ચે પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને લપસણા રસ્તાઓને કારણે મુસાફરોને સાવચેત રહેવા જણાવાયું છે.

આ સમાચાર શેર કરો