કૂનો નેશનલ પાર્ક નજીક ચિત્તા પર ફાયરિંગ, સારવાર દરમિયાન 19 મહિનાના નર ચિત્તાનું મોત

મધ્ય પ્રદેશના શ્યોપુર વિસ્તારમાં કૂનો નેશનલ પાર્ક નજીક ચિત્તા પર ફાયરિંગની આશંકા સાથે ચકચાર મચી છે. જંગલમાંથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવેલા 19 મહિનાના નર ચિત્તા KNG22નું સારવાર દરમિયાન મોત થયું છે. તબીબોએ ઇમરજન્સી સર્જરી કરીને તેના શરીરમાંથી બંદૂકના પાંચ છરા બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેને બચાવી શકાયો નહોતો. આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી છે.
25 ઓક્ટોબરે ઘાયલ હાલતમાં મળ્યો હતો ચિત્તો
વન વિભાગના જણાવ્યા અનુસાર, 25 ઓક્ટોબરે શ્યોપુર ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના કમ્પાર્ટમેન્ટ નંબર 748માંથી 19 મહિનાનો નર ચિત્તો ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક તેને રેસ્ક્યૂ કરીને સારવાર માટે ખસેડ્યો હતો. પ્રારંભિક એક્સ-રે તપાસ દરમિયાન ચિત્તાના શરીરના જુદા જુદા ભાગોમાં શંકાસ્પદ બાહ્ય પદાર્થો જોવા મળ્યા હતા. ત્યારબાદ નિષ્ણાત પશુચિકિત્સકોની સલાહ મુજબ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
સીટી સ્કેનમાં આંતરિક અંગોને ગંભીર નુકસાન
ચિત્તાની સ્થિતિ ગંભીર હોવાથી તેને વધુ તપાસ અને સઘન સારવાર માટે જબલપુર સ્થિત નાનાજી દેશમુખ પશુ ચિકિત્સા વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સર્જરી અને રેડિયોલોજી વિભાગના નિષ્ણાતોએ સીટી સ્કેન સહિતની તપાસ કરી હતી. તપાસમાં બંદૂકના છરા શરીરમાં ઘૂસ્યા હોવાને કારણે ચિત્તાના આંતરિક અંગો, સ્નાયુઓ, હાડકાં અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.
સર્જરી દરમિયાન પાંચ છરા કાઢવામાં આવ્યા
ચિત્તાની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. ઓપરેશન દરમિયાન તેના શરીરમાંથી બંદૂકના પાંચ છરા બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, શરીરના આંતરિક ભાગોમાં થયેલી ગંભીર ઇજાઓને કારણે તબીબોની ટીમના પ્રયાસો સફળ રહ્યા નહોતા અને ચિત્તાનું મોત થયું હતું.
તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના
ચિત્તાના શરીરમાંથી બંદૂકના છરા મળી આવતાં તેને ગોળી મારવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે વન વિભાગ અને પોલીસ અધિકારીઓની સંયુક્ત સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે. હવે તપાસમાં ચિત્તાને કયા સંજોગોમાં ગોળી વાગી, આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદે હથિયારોનો ઉપયોગ થયો હતો કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. જોકે, ઘટનાના જવાબદાર વ્યક્તિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.












