મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026: વિશ્વની સૌથી નાની ભગવદ્ ગીતા અને ખાદીના કાગળ પર હનુમાન ચાલીસા આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026: વિશ્વની સૌથી નાની ભગવદ્ ગીતા અને ખાદીના કાગળ પર હનુમાન ચાલીસા આકર્ષણનું કેન્દ્ર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં વિવિધ વિષયોની પુસ્તકોની સાથે અનોખી પુસ્તકકૃતિઓ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહી છે. ફેસ્ટિવલમાં બુક સ્ટોલ પર પ્રદર્શિત કરવામાં આવેલી વિશ્વની સૌથી નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ખાદીના કાગળ પર હનુમાન ચાલીસા બુક ફેસ્ટિવલમાં પુસ્તક પ્રેમીઓ માટે અનોખાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બની છે.

અંદાજે 2 બાય 1.5 ઈંચની, 400 પાનાની શ્રીમદ્ ભગવદ્ ગીતા મુલાકાતીઓનું ખાસ ધ્યાન દોરે છે. આયોજક દ્વારા તેને ભારતની સૌથી નાની શ્રીમદ્ ભગવદ્ ગીતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અત્યંત નાના કદમાં તૈયાર કરવામાં આવેલી આ ભગવદ્ ગીતામાં તમામ શ્લોકોને સુંદર રીતે સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સામાન્ય પુસ્તક કરતા અનેકગણું નાનું કદ હોવા છતાં તેમાં 400 પાનાનું સંકલન કરવામાં આવ્યું છે, જે તેની વિશેષતા છે. બુક ફેસ્ટિવલની મુલાકાતે આવતા પુસ્તકપ્રેમીઓ અને અન્ય મુલાકાતીઓ આ અનોખી કૃતિને જોવા માટે સ્ટોલ પર અટકી રહ્યા છે. તેનું નાનકડું કદ અને તેમાં સમાવાયેલું વિશાળ ધાર્મિક-આધ્યાત્મિક સાહિત્ય લોકોમાં કુતૂહલ જગાવી રહ્યું છે.

ખાદીના કાગળ પર તૈયાર કરાયેલી હસ્તનિર્મિત હનુમાન ચાલીસા

અહીં માત્ર લઘુતમ કદની ભગવદ્ ગીતા જ નહીં, પરંતુ ખાદીના કાગળ પર તૈયાર કરવામાં આવેલી હસ્તનિર્મિત હનુમાન ચાલીસા પણ રજૂ કરવામાં આવી છે. અંદાજે 3 બાય 2 ઈંચના કદમાં 24 પાનાની આ હનુમાન ચાલીસા ખાદીના કાગળ પર હાથથી તૈયાર કરવામાં આવી હોવાથી તેની વિશિષ્ટતા મુલાકાતીઓને આકર્ષી રહી છે.

ખિસ્સામાં રાખી શકાય તેવી હનુમાન ચાલીસા પણ ઉપલબ્ધ

આ ઉપરાંત, ખિસ્સામાં સરળતાથી રાખી શકાય તેવી વધુ નાના કદની ખાદીના કાગળ પર તૈયાર કરાયેલી હનુમાન ચાલીસા પણ ઉપલબ્ધ છે. પરંપરાગત ધાર્મિક સાહિત્યને નાનકડા કદમાં અને વિશિષ્ટ કાગળ પર રજૂ કરવાની આ પહેલ પુસ્તકપ્રેમીઓ માટે જિજ્ઞાસા અને આકર્ષણનું કારણ બની છે.

આ સમાચાર શેર કરો