મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત:સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીન

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત:સુપ્રીમ કોર્ટે આપ્યા 3 દિવસના જામીન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જેલમાં બંધ આપ (AAP) ધારાસભ્ય અને નેતા ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. બીમાર ભાઈની મુલાકાત લેવા અને ખબરઅંતર પૂછવા માટે અગાઉ ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેની સામે હાઈકોર્ટે માત્ર એક જ દિવસના જામીન મંજૂર કર્યા હતા. હાઈકોર્ટના આ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સર્વોચ્ચ અદાલતે જામીનની મુદત વધારીને 3 દિવસની કરી આપી છે.

કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા 

આ અંગે વિગતો આપતા એડવોકેટ પુનીત જૂનેજાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવા તરફથી દેશના જાણીતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા અને કેસની ગંભીરતા તથા પારિવારિક પરિસ્થિતિ અંગે રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈને કોર્ટે આ હુકમ કર્યો છે.ઉલ્લેખનીય છેકે, અગાઉ હાઈકોર્ટે માત્ર એક દિવસના જામીન આપ્યા હોવાથી વ્યવહારિક મુશ્કેલીઓ સર્જાઈ હતી, જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?

આ સમગ્ર વિવાદની શરૂઆત ઑક્ટોબર-નવેમ્બર 2023 દરમિયાન થઈ હતી. નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન વિભાગની સરકારી જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરાયેલું ગેરકાયદે અતિક્રમણ અને પાક વનકર્મીઓએ હટાવી દીધો હતો. આ જમીન વિવાદ અંગે ચર્ચા કરવાના બહાને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને દેડિયાપાડા ખાતે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા.

વન વિભાગની ફરિયાદ અનુસાર, વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવા તથા તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, સરકારી કર્મચારીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ સરેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી ખંડણીની માગણી પણ કરાઈ હતી. આ ઘટના બાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

સેશન્સ કોર્ટે ફટકારી હતી 7 વર્ષની સજા

આ કેસમાં 23 જૂન 2026ના રોજ નર્મદા જિલ્લાની રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત એકંદરે 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25000થી રૂ. 96000 સુધીનો દંડ ફટકાર્યો હતો.

આ સમાચાર શેર કરો