મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: "વિધાનસભાના આત્માની હત્યા કરી નાખી!" સસ્પેન્ડ થતાં જ AAP સરકાર પર ભડક્યા કોંગ્રેસ નેતા સુખપાલ સિંહ ખૈરા

સોર્સ: gstv

પંજાબ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ આમ આદમી પાર્ટી (AAP) સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. પંજાબ સરકારના વલણની આકરી ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જો કોઈ પક્ષ સંપૂર્ણપણે અલોકતાંત્રિક અને ગેરબંધારણીય રીતે કામ કરતો હોય તો તે આમ આદમી પાર્ટી છે.

પોતાના સસ્પેન્શનને અન્યાયી ગણાવતા ખૈરાએ જણાવ્યું કે, "કેબિનેટ મંત્રી હરપાલ ચીમાએ ગૃહમાં મારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા કે હું એનડીપીએસ (NDPS) નાર્કોટિક્સ કેસમાં સામેલ છું અને ડ્રગ પેડલર છું. વાસ્તવિકતા એ છે કે મારી સામે ઘડવામાં આવેલા ખોટા એનડીપીએસ કેસની કાર્યવાહી પર જૂન ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે મનાઈહુકમ (Stay) આપી દીધો હતો. આમ, તેમનો આ આક્ષેપ તદ્દન ખોટો અને ભ્રામક હતો."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "બીજો આક્ષેપ મારા પરિવારને ૪૦ વર્ષ જૂના નકોદર ગોળીબાર કાંડ સાથે જોડીને કરવામાં આવ્યો, જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. આ તથ્ય સાવ ખોટું છે. એ ઘટના બાદ જસ્ટિસ ગુરનામ સિંહ કમિશનની રચના કરવામાં આવી હતી અને તેનો ૧૯૮૬નો અહેવાલ સરકાર પાસે જ છે. અમે સતત માંગ કરી રહ્યા છીએ કે આ રિપોર્ટ વિધાનસભાના પટલ પર મૂકવામાં આવે અને દોષિતો સામે કાર્યવાહી થાય, પછી ભલે તે કોઈ પણ હોય. છતાં સરકાર આ રિપોર્ટ ગૃહમાં રજૂ કરવાનો ઈનકાર કરી રહી છે."

વિધાનસભાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ ધારાસભ્યએ આક્ષેપ કર્યો કે, "માત્ર મૌખિક આરોપોના આધારે મને સસ્પેન્ડ કરી દેવાયો. હું ગૃહમાં જઈને પૂછવા માંગતો હતો કે હરપાલ ચીમા ગૃહને કેમ ગેરમાર્ગે દોરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં મેં ગૃહમાં બોલેલો એક પણ શબ્દ રેકોર્ડ પર લેવાયો નથી. જો રેકોર્ડ પર કંઈ જ ન હોય તો કોઈ સભ્યને કઈ રીતે સસ્પેન્ડ કરી શકાય? આ વિધાનસભા હવે માત્ર એક સિમેન્ટ-કોંક્રિટનું માળખું બનીને રહી ગઈ છે, સરકારે પંજાબ વિધાનસભાના આત્માની હત્યા કરી નાખી છે."

આ સમાચાર શેર કરો