મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

"પહેલાં 50 લાખ પાછા આપી વિશ્વાસ જીત્યો, પછી ₹3 કરોડનો ચૂનો લગાડ્યો!" અમદાવાદમાં શિપિંગના નામે બિલ્ડર સાથે મોટો ખેલ

"પહેલાં 50 લાખ પાછા આપી વિશ્વાસ જીત્યો, પછી ₹3 કરોડનો ચૂનો લગાડ્યો!" અમદાવાદમાં શિપિંગના નામે બિલ્ડર સાથે મોટો ખેલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં શિપિંગ સંબંધિત આયાત-નિકાસના વ્યવસાયમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપીને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર સાથે 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક વિંગે જામનગરના વેપારી સમીર અમિત શાહ સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે વેપારના કોન્ટ્રાક્ટ અને નફામાં ભાગીદારીના નામે તેમની પાસેથી તબક્કાવાર નાણાં લેવામાં આવ્યાં હતાં, પરંતુ સમયમર્યાદા પૂરી થયા બાદ પણ રકમ પરત કરવામાં આવી નહોતી.નકશા જુઓ

પહેલાં 50 લાખ પરત આપીને વિશ્વાસ જીત્યો

સાયન્સ સિટી રોડ પર અભિ કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા 46 વર્ષીય રોહિતકુમાર નટવરલાલ પટેલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઓગસ્ટ 2025માં તેમના પિતા પાકવાન ચાર રસ્તા નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં દાખલ હતા. તે દરમિયાન તેમના પિતરાઈ ભાઈ જય પ્રવીણભાઈ પટેલે સમીર શાહ સાથે પરિચય કરાવ્યો હતો. શાહે પોતે શિપિંગ સંબંધિત આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જણાવી મૂડી રોકાણના પ્રમાણમાં નફો આપવાની વાત કરી હતી. શરૂઆતમાં એક મહિના માટે 50 લાખ રૂપિયાની માગણી કરીને ચાર ટકા વળતર આપવાની ખાતરી આપી હતી. આથી પટેલે 22 ઓગસ્ટ, 2025ના રોજ કંપનીના બેંક ખાતામાંથી RTGS દ્વારા 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદ અનુસાર, શાહે 24 સપ્ટેમ્બર, 2025ના રોજ મૂળ રકમ પરત આપી હતી.

સ્ટીલ પાઇપના કોન્ટ્રાક્ટના નામે 1.5 કરોડ લીધા

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2025માં શાહે ફરી સંપર્ક કરીને બંદરેથી જિંદાલ સ્ટીલની પાઇપના પરિવહનનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું જણાવ્યું હતું. આ કામ ત્રણ મહિનામાં પૂરું થવાનું હોવાથી 1.5 કરોડ રૂપિયાની જરૂર હોવાનું કહી આઠ ટકા વળતર આપવાની ખાતરી આપી હતી. સાથે સિક્યોરિટી ચેક અને પ્રોમિસરી નોટ આપવાનું પણ કહ્યું હતું. 16 ઓક્ટોબર, 2025ના રોજ પટેલે શાહના HDFC બેંક ખાતામાં RTGS દ્વારા 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદ મુજબ, શાહે આ રકમની સામે ચેક આપ્યો હતો અને પ્રોમિસરી નોટ પણ બનાવી હતી.

ત્રણ હપ્તામાં વધુ 1.5 કરોડ ટ્રાન્સફર કર્યા

જાન્યુઆરી 2026માં કોન્ટ્રાક્ટની સમયમર્યાદા નજીક આવતાં શાહે કામ સમયસર પૂરું ન થયું હોવાનું જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટમાં દંડથી બચવા અને અગાઉનું રોકાણ પાછું મેળવવા વધુ 1.5 કરોડ રૂપિયાની જરૂર હોવાનું કહી સમગ્ર રકમ અને વળતર 15 માર્ચ, 2026 સુધીમાં પરત આપવાની ખાતરી આપી હતી. આ ખાતરીના આધારે પટેલે 24, 25 અને 26 જાન્યુઆરીએ 50-50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આમ, કુલ રોકાણ 3 કરોડ રૂપિયા થયું હતું. ફરિયાદ અનુસાર, શાહે 3 કરોડનો સિક્યોરિટી ચેક અને વળતર પેટે કુલ 72 લાખ રૂપિયાના છ વધારાના ચેક આપ્યા હતા. આ ઉપરાંત કુલ રોકાણની રકમ સ્વીકારતી બીજી પ્રોમિસરી નોટ પણ બનાવી હતી.

દુબઈમાં સલ્ફર ભરેલું જહાજ અટવાયું હોવાનો દાવો

15 માર્ચ, 2026ની સમયમર્યાદા પૂરી થયા બાદ પટેલે નાણાં પરત માગતાં શાહે ઈરાન સંઘર્ષને કારણે સલ્ફર ભરેલું જહાજ દુબઈમાં અટવાઈ ગયું હોવાનું કારણ આપ્યું હતું. જોકે, અગાઉ સ્ટીલ પાઇપના પરિવહનના કોન્ટ્રાક્ટની વાત કરવામાં આવી હોવાથી પટેલને શંકા ગઈ હતી. ફરિયાદ મુજબ, તપાસ કરતાં શાહે જે કોન્ટ્રાક્ટ મળ્યાની વાત કરી હતી તે હકીકતમાં મળ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. માર્ચના છેલ્લા અઠવાડિયામાં શાહ પોતાની માતા અને કાકા સાથે પટેલની ઓફિસે ગયો હતો અને નાણાં પરત આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તેણે કોન્ટ્રાક્ટના દસ્તાવેજો અન્ય વ્યક્તિ પાસે હોવા અને મિલકત સામે લોન લઈને રકમ ચૂકવવાની તૈયારી હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, વારંવાર ખાતરી આપવા છતાં નાણાં પરત ન મળ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક વિંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો