નેશનલ હાઈવે નજીક રહેતા લોકો માટે સૌથી મોટા ખુશખબર: માત્ર ₹1,500માં આખું વર્ષ દોડશે ગાડી, જાણો નવા નિયમો

નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાના 20 કલોમીટરના દાયરામાં રહેતા સ્થાનિક લોકો માટે કેન્દ્ર સરકારે એક મોટી રાહતની જાહેરાત કરી છે. સરકાર એક નવો 'એન્યુઅલ ટોલ પાસ' લઈને આવી છે, જેનાથી સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાં ભારે રાહત મળશે. આ નવો નિયમ 1 નવેમ્બર 2026થી અમલમાં આવશે.
વાર્ષિક રૂ.1,500થી 3,000 સુધીનો રહેશે ચાર્જ
આ યોજના હેઠળ ટોલ પાસની કિંમત રૂ.1,500થી રૂ.3,000 સુધીની રહેશે. ભાવનો આધાર તમે ટોલ પ્લાઝાથી કેટલી દૂર અને કયા વિસ્તારમાં રહો છો તેના પર રહેશે. જો ટોલ પ્લાઝા નગરપાલિકા કે સ્થાનિક શહેરની હદની બહાર આવેલો હશે તો વાર્ષિક પાસ રૂ.1,500માં મળશે. પરંતુ જો ટોલ પ્લાઝા નગરપાલિકા કે સ્થાનિક શહેરની હદમાં આવતો હશે, તો આ પાસ માટે વાર્ષિક રૂ.3,000 આપવાના રહેશે.
કોને મળશે આ ખાસ પાસનો લાભ?
આ યોજનાનો લાભ માત્ર પ્રાઇવેટ વાહન માલિકોને જ મળશે. આ માટે વાહન માલિક પાસે ચાલુ અને માન્ય FASTag હોવું જરૂરી છે. આ ઉપરાંત, આ પાસ માત્ર ચોક્કસ ટોલ પ્લાઝા પર જ માન્ય રહેશે, તેને દરેક ટોલ પ્લાઝા પર વાપરી શકાશે નહીં.
કઈ જગ્યાએ આ યોજના લાગુ નહીં પડે?
20 કલોમીટરની રેન્જમાં રહેતા દરેક વ્યક્તિને આ પાસ મળશે નહીં. આ સુવિધા એવા નેશનલ હાઈવે કે એક્સપ્રેસવે પર લાગુ નહીં થાય જે 'ક્લોઝ્ડ યુઝર ફી કલેક્શન સિસ્ટમ' પર ચાલે છે. આ સિવાય, જે ટોલ પ્લાઝા નજીક સર્વિસ રોડ કે અન્ય વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે, ત્યાં પણ આ યોજનાનો લાભ મળશે નહીં.
2026ના નવા સુધારેલા નિયમો હેઠળ નિર્ણય
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી છે. આ ફેરફાર નેશનલ હાઈવે ફી નિયમ-2026 હેઠળ કરવામાં આવ્યા છે, જે 2008ના જૂના નિયમોનું સ્થાન લેશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, દર વર્ષે 1 એપ્રિલના રોજ આ પાસના દરોમાં સુધારો કરવામાં આવી શકે છે.














