2029માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031માં વનડે વર્લ્ડ કપની યજમાની, ICCએ જાહેર કર્યું 2035 સુધીનું કેલેન્ડર

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2035 સુધીના ગ્લોબલ ક્રિકેટ કેલેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી ICCની બેઠકમાં આ કાર્યક્રમને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. આ શેડ્યૂલ મુજબ ભારતને 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031માં વનડે વર્લ્ડ કપની યજમાની સોંપવામાં આવી છે. 2031નો વનડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં યોજાશે. આ કેલેન્ડરમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલનો સમાવેશ થાય છે.
આગામી T20 વર્લ્ડ કપ ક્યારે અને ક્યાં યોજાશે?
ICC દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, 2028માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપની યજમાની કરશે. ત્યારબાદ 2030માં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ આ ટુર્નામેન્ટનું સંયુક્ત આયોજન કરશે. T20 વર્લ્ડ કપની આગામી આવૃત્તિઓ 2032 અને 2034માં યોજાશે, જોકે આ બંને ટુર્નામેન્ટના યજમાન દેશોનાં નામ હજુ નક્કી કરવામાં આવ્યાં નથી.
2031માં કયા મહિનામાં યોજાશે વનડે વર્લ્ડ કપ?
આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા વનડે વર્લ્ડ કપ બાદ આ ટુર્નામેન્ટ 2031માં ફરી એકવાર ભારતીય ઉપખંડમાં યોજાશે. ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર, 2031 દરમિયાન મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરશે. આ પહેલાં 2023માં ભારતે વનડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. તે ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત 2035માં પણ વનડે વર્લ્ડ કપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. જોકે, આ આવૃત્તિ માટે યજમાન દેશની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
ઇંગ્લેન્ડમાં WTCની વધુ બે ફાઇનલ યોજાશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ અગાઉની જેમ દર બે વર્ષે જૂન મહિનામાં યોજાશે. ICC દ્વારા ઇંગ્લેન્ડને 2029 અને 2031ની WTC ફાઇનલની યજમાની સોંપવામાં આવી છે. જ્યારે 2033 અને 2035ની ફાઇનલ ક્યાં યોજાશે તે અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઘરઆંગણે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જાળવી રાખવાની તક
ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની આગામી મુકાબલા 2029માં ભારતમાં રમાશે. આ ટુર્નામેન્ટ 9થી 28 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. ત્યારબાદ 2033માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે, જોકે તેના યજમાન દેશની જાહેરાત હજુ બાકી છે. ભારતને 2006 બાદ પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાનો અધિકાર મળ્યો છે. ભારત હાલ ચેમ્પિયન્સ ટ્રોફીનો વર્તમાન ચેમ્પિયન છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને હવે પોતાના ઘરઆંગણે ચાહકોની સામે ફરી એકવાર ટાઇટલ જાળવી રાખવાની સુવર્ણ તક મળશે.








