અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું, અર્જુન રાજપૂતની સદી એળે ગઈ

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું, અર્જુન રાજપૂતની સદી એળે ગઈ
તસવીર: Google
આ સમાચાર સાંભળો

એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-19 એશિયા કપ 2026ની રોમાંચક 8મી મેચમાં પાકિસ્તાન અંડર-19 ટીમ સામે ભારત અંડર-19 ટીમનો 3 વિકેટે પરાજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય યુવા ટીમ 46.3 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં પાકિસ્તાને 48.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ભારત તરફથી અર્જુન રાજપુતની તો પાકિસ્તાન તરફથી હમઝા ઝહૂરની સદી

જાહેરાત

આ મુકાબલામાં બંને તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. પાકિસ્તાન તરફથી હમઝા ઝહૂરે અડગ રહીને અણનમ 100 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, જ્યારે ભારત તરફથી અર્જુન રાજપૂતે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા 107 રન ફટકાર્યા હતા.

અર્જુન સિવાય તમામ બેટરોનું કંગાળ પ્રદર્શન

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી અને ઓપનર લક્ષ્ય રાયચંદાની ખાતું ખોલાવ્યા વિના શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો. આર્યવીર સેહવાગે 40 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી 22 રન બનાવ્યા હતા, જ્યારે વી.કે. વિનીથ 8 રન અને યશવર્ધન ચૌહાણ માત્ર 1 રન બનાવી ઝડપથી આઉટ થઈ ગયા હતા. જોકે મિડલ ઓર્ડરમાં અર્જુન રાજપૂતે એકલા હાથે બાજી સંભાળીને આક્રમક બેટિંગ કરતા 85 બોલમાં 11 ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી શાનદાર 107 રનની શતકીય ઇનિંગ્સ રમી હતી. અન્ય બેટરોમાં અન્વય દ્રવિડ 10 રન, મનાલ ચૌહાણ 11 રન અને કાવ્યા પારેશ પટેલ 45 બોલમાં 23 રન બનાવી થોડો સમય ક્રિઝ પર ટકી રહ્યા હતા, જ્યારે યશવીર ગૌડે 4 રન, મોહિત ઉલ્વાએ 7 રન અને ઈશાન સૂદે 2 રનનું યોગદાન આપ્યું હતું.

પાકિસ્તાનના 3 બોલરોની 3-3 વિકેટ

પાકિસ્તાની બોલિંગ આક્રમણે શરૂઆતથી જ ભારતીય બેટરો પર ભારે દબાણ જાળવી રાખ્યું હતું. અલી રઝાએ પોતાની 10 ઓવરમાં માત્ર 37 રન આપીને 3 મહત્વપૂર્ણ સફળતા મેળવી હતી. રિઝવાનુલ્લાહે પણ ઉત્કૃષ્ટ લાઇન-લેન્થ જાળવી રાખી 7 ઓવરમાં 24 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે નિકાબ શફીકે 10 ઓવરના સ્પેલમાં 42 રન ખર્ચીને 3 બેટરોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મોહમ્મદ સૈયમે 8.3 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે અહેમદ હુસૈને 6 ઓવરમાં 33 રન, ફરહાન યુસફે 4 ઓવરમાં 30 રન અને હસ્નૈન અબ્બાસ ડારે 1 ઓવરમાં 12 રન આપ્યા હતા પરંતુ તેઓ કોઈ સફળતા મેળવી શક્યા નહોતા.

હમઝા ઝહૂરે પાકિસ્તાનને અપાવી જીત

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ઇનિંગ્સમાં પણ શરૂઆતી ઝટકા લાગ્યા હતા, જેમાં ઓપનર ઉસ્માન ખાન 23 બોલમાં 16 રન અને જહાંગીર બિલાલ 4 બોલમાં 5 રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ અબ્દુલ કાદિરે 27 બોલમાં ઝડપી 20 રન જોડ્યા હતા, જ્યારે અહેમદ હુસૈન 8 રન અને ફરહાન યુસફ 2 રને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. મુશ્કેલ પરિસ્થિતિમાં હમઝા ઝહૂરે ક્રિઝ પર અડગ રહીને મેચ-વિનિંગ ઇનિંગ્સ રમતા 108 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે યાદગાર 100 રનની સદી ફટકારી હતી. તેને મિડલ ઓર્ડરમાં હસ્નૈન અબ્બાસ ડારનો ઉત્તમ સાથ મળ્યો હતો, જેણે 67 બોલમાં 38 રનની ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી હતી. નીચલા ક્રમે મોહમ્મદ સૈયમે 4 રન અને નિકાબ શફીકે અણનમ 2 રન બનાવ્યા હતા.

મનાલ ચૌહાણની 3 વિકેટ

ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ સામે જોરદાર મુકાબલો કર્યો હતો, જેમાં સ્પિનર મનાલ ચૌહાણે પોતાની 10 ઓવરમાં માત્ર 32 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી ભારતીય આશાઓ જીવંત રાખી હતી. ઝડપી બોલર મોહિત ઉલ્વાએ 10 ઓવરમાં 45 રન આપી 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાન સૂદે 9 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ અને કાવ્યા પારેશ પટેલે 9.1 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ મેળવી હતી. અન્ય બોલરોમાં અર્જુન રાજપૂતે 5 ઓવરમાં 19 રન, યશવીર ગૌડે 3 ઓવરમાં 18 રન અને યશવર્ધન ચૌહાણે 2 ઓવરમાં 10 રન આપી ચુસ્ત બોલિંગ કરી હતી, પરંતુ તેઓ કોઈ વિકેટ ઝડપી શક્યા નહોતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત