મનીલામાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત, ચીનની ઊંઘ હરામ થશે!

મનીલામાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત, ચીનની ઊંઘ હરામ થશે!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં એક જ મંચ પર જોવા મળશે. બે વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઈ રહેલી ક્વૉડ (QUAD) નેતાઓની આ શિખર બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ચાર મોટા દેશો વૈશ્વિક અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. આ બેઠકમાં જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ પણ ઉપસ્થિત રહેશે. સૌથી રસપ્રદ બાબત એ છે કે ફિલિપાઇન્સ ક્વૉડનું સભ્ય ન હોવા છતાં અહીં આ મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન થઈ રહ્યું છે.

દરિયાઈ સુરક્ષા અને ખનિજ સપ્લાય ચેઇન પર રહેશે મુખ્ય ફોકસ

જાહેરાત

મનીલાના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સાંજે 6:15 વાગ્યે અને ભારતીય સમય મુજબ બપોરે આશરે 2 વાગ્યે ચારેય નેતાઓની આ મુલાકાત થશે. સપ્ટેમ્બર 2024 બાદ ક્વૉડ નેતાઓનું આ પ્રથમ સંમેલન છે અને ટ્રમ્પના સત્તા પર આવ્યા બાદ આ જૂથની પહેલી મોટી બેઠક છે. આ બેઠકના મુખ્ય એજન્ડામાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ વેપારી માર્ગોની સુરક્ષા, મહત્ત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન જાળવી રાખવી અને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિનો સમાવેશ થાય છે. દક્ષિણ ચીન સાગરમાં ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે ચાલી રહેલી લાંબી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે મનીલામાં ક્વૉડ નેતાઓનું એકત્ર થવું એ ચીન માટે એક મોટો રાજદ્વારી સંદેશ માનવામાં આવી રહ્યો છે.

ક્વૉડ બેઠક બાદ ટ્રમ્પના ચીન પ્રવાસ પર દુનિયાની નજર

મનીલામાં ક્વૉડ સંમેલન પૂર્ણ કર્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સીધા ચીનના શેનઝેન જવા રવાના થશે. ત્યાં 19 નવેમ્બરના રોજ ટ્રમ્પની ચીની પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પ્રથમ ત્રિપક્ષીય બેઠક પ્રસ્તાવિત છે. આ ત્રિપક્ષીય મુલાકાતમાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ, વૈશ્વિક સુરક્ષા અને અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મહત્ત્વની ચર્ચા થવાની શક્યતા છે, જેના કારણે ટ્રમ્પની આ મુલાકાત અગાઉની ક્વૉડ બેઠકનું મહત્ત્વ વધુ વધી ગયું છે.

મનીલામાં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મનીલા પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર ફિલિપાઇન્સના સૂચના અને સંચાર ટેક્નોલોજી વિભાગના સચિવ રોબર્ટ જોસેફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોટલ પહોંચતા જ ભારતીય સમુદાયે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બંને દેશોના બાળકોએ 'પૂર્ણ કુંભ શ્લોક'નું પઠન કર્યું હતું અને બોલિવૂડ ગીતો પર નૃત્ય, ભાંગડા તેમજ રામાયણની વિશેષ રજૂઆત પણ કરાઈ હતી. સાંજે વડાપ્રધાન મોદીએ ફિલિપાઇન્સના પ્રમુખ દ્વારા આયોજિત ગાલા ડિનરમાં હાજરી આપી હતી, જેમાં તેઓ ફિલિપાઇન્સના પુરુષોના પરંપરાગત પોશાક 'બારોંગ તાગાલોગ'માં જોવા મળ્યા હતા.

ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી' અને 'મહાસાગર' વિઝનનો ઉલ્લેખ

મનીલા રવાના થતા પહેલા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે આસિયાન (ASEAN) દેશો સાથેના ભારતના સંબંધો તેની 'એક્ટ ઈસ્ટ પોલિસી'ના મૂળમાં છે અને ભારતના 'મહાસાગર' (MAHASAGAR) વિઝનમાં પણ કેન્દ્રસ્થાને છે. ઉલ્લેખનીય છે કે 'મહાસાગર' એટલે કે 'મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ અક્રોસ રિજન્સ', જે ભારતની વ્યાપક દરિયાઈ નીતિ છે. મનીલામાં આયોજિત આ બેઠક દ્વારા ભારત હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરશે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત