અમેરિકામાં ફ્લાઇટ સંકટ યથાવત્, ત્રીજા દિવસે 10 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ

અમેરિકામાં શુક્રવારે લગાવવામાં આવેલા દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપની અસર રવિવારે પણ જોવા મળી હતી. રવિવારે દેશમાં 10 હજારથી વધુ ફ્લાઇટ્સ કાં તો રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી. અમેરિકાના પરિવહન સચિવ શૉન ડફીએ જણાવ્યું કે આજે સોમવાર સુધીમાં હવાઈ સેવાઓ સામાન્ય થવાની આશા છે. શુક્રવારે દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપને કારણે લગભગ તમામ ફ્લાઇટ્સ પાંચ કલાક સુધી બંધ રહી હતી. જોકે, એરલાઇન્સ પોતાનું ફ્લાઇટ શેડ્યૂલ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહી છે.
શનિવારે પણ હજારો ફ્લાઇટ્સ રદ અને વિલંબિત થઈ
એવિએશન ડેટા ટ્રેકર ફ્લાઇટઅવેરના જણાવ્યા અનુસાર, રવિવારે સમગ્ર અમેરિકામાં 2,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 7,700 ફ્લાઇટ્સ મોડી પડી હતી. શનિવારે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. શનિવારે 6,400થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 8,000થી વધુ ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. એક કાર્યક્રમ દરમિયાન ડફીએ સાયબર હુમલાની આશંકાને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની આશા છે. મુસાફરોની સુરક્ષા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની પ્રાથમિકતા છે.
જેટબ્લૂની સૌથી વધુ ફ્લાઇટ્સ રદ, અમેરિકન એરલાઇન્સ પણ પ્રભાવિત
રવિવારે જેટબ્લૂ સૌથી વધુ પ્રભાવિત થયેલી એરલાઇન્સમાં સામેલ હતી. જેટબ્લૂએ રવિવારે પોતાની 28 ટકા ફ્લાઇટ્સ રદ કરી હતી. અમેરિકન એરલાઇન્સની 17 ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જ્યારે યુનાઇટેડ એરલાઇન્સ, સાઉથવેસ્ટ અને ડેલ્ટા એરલાઇન્સની 3થી 5 ટકા ફ્લાઇટ્સ રદ થઈ હતી.
ટ્રમ્પે જૂની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમને જવાબદાર ઠેરવી
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંકટ માટે દેશની હાલની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની ખામીને જવાબદાર ઠેરવી છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાની વર્તમાન એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગભગ 50 વર્ષ જૂની છે અને તેને શક્ય તેટલી વહેલી તકે અપગ્રેડ કરવાની જરૂર છે.
ટ્રમ્પે કોંગ્રેસ પાસે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ માટે ફંડ માગ્યું
ટ્રમ્પે લખ્યું હતું, 'જો કોંગ્રેસ એર ટ્રાફિક કંટ્રોલ માટે જરૂરી ભંડોળ મંજૂર કરી દે, તો અમે આ સિસ્ટમ ઝડપથી અને કાર્યક્ષમ રીતે તૈયાર કરી શકીએ છીએ. આ દુનિયાની શ્રેષ્ઠ સિસ્ટમ હશે. આપણી હાલની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ મોટાભાગે 50 વર્ષ જૂની છે. આ હાસ્યાસ્પદ છે.'
FAAના ગ્રાઉન્ડ સ્ટોપથી પાંચ કલાક સુધી હવાઈ સેવા ઠપ
શુક્રવારે અમેરિકામાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ગ્રાઉન્ડ સ્ટોપનો આદેશ આપ્યો હતો. તેના કારણે લગભગ પાંચ કલાક સુધી તમામ ફ્લાઇટ્સ અટકાવી દેવામાં આવી હતી. 9/11ના આતંકવાદી હુમલા પછી હવાઈ મુસાફરી ઠપ થવાની આ સૌથી લાંબી ઘટનાઓમાંની એક હતી. અમેરિકાના પરિવહન સચિવ શૉન ડફીએ શુક્રવારે કહ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું હાર્ડવેર ઘણું જૂનું છે અને તેમાં જ ખામી સર્જાઈ હતી. રાષ્ટ્ર પ્રમુખ છેલ્લા એક વર્ષથી કોંગ્રેસ પાસે નવી એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ માટે સંપૂર્ણ ભંડોળ આપવાની માગ કરી રહ્યા છે. આ કોઈ સાયબર હુમલો નથી.









