ફ્રાન્સ અને ઇટાલી બાદ પોર્ટુગલમાં પણ વિરોધ પ્રદર્શન ઉગ્ર, પોલીસે તંબુઓ હટાવી પ્રદર્શનકારીઓને વિખેર્યા

યુરોપના અનેક દેશોમાં વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ સામે લોકોનો રોષ વધી રહ્યો છે. ફ્રાન્સ અને ઇટાલી બાદ હવે પોર્ટુગલમાં પણ આવાસ સંકટ (Housing Crisis)ને લઈને વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યાં છે. રવિવારે (1 નવેમ્બર) પોર્ટુગલની રાજધાની લિસ્બન અને પોર્ટો શહેરમાં પોલીસે પ્રદર્શનકારીઓ દ્વારા ઊભા કરાયેલા ટેન્ટ કેમ્પ હટાવવાની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. લિસ્બનના રોસિયો સ્ક્વેરમાં શનિવારે હજારો લોકોએ રેલી યોજી હતી. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ ત્યાં 50થી વધુ ટેન્ટ ઊભા કર્યા હતા. રવિવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ટેન્ટ હટાવવા માટે અગાઉ ત્રણ વખત ચેતવણી આપી હતી. જોકે, પ્રદર્શનકારીઓએ કેમ્પ છોડવાનો ઇનકાર કરતાં પોલીસે ઢાલ અને લાઠીઓનો ઉપયોગ કરીને તેમને વિખેરી નાખ્યા હતા. પોર્ટોના ડોમ જોઆઓ પ્રથમ સ્ક્વેરમાં પણ નાનો ટેન્ટ કેમ્પ હટાવવામાં આવ્યો હતો. પોર્ટુગલ પોલીસે આપેલી માહિતી પ્રમાણે, લિસ્બનમાં 6 અને પોર્ટોમાં 7 મળીને કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર બોટલો અને રંગ ફેંક્યા હતા. બીજી તરફ, કાર્યકરોએ પોલીસની કાર્યવાહીને અતિશય બળપ્રયોગ ગણાવ્યો છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
પ્રદર્શનકારીઓ સરકારના પ્રસ્તાવિત ભાડા કાયદા (Rental Bill)નો વિરોધ કરી રહ્યા છે. તેમના મતે, આ કાયદાથી મકાનમાલિકો માટે ભાડૂતોને બહાર કાઢવાનું સરળ બનશે અને નવા ભાડા કરાર પરની મર્યાદાઓ દૂર થતાં ભાડાંમાં વધારો થઈ શકે છે. પોર્ટુગલમાં 2017 પછી મકાનોની કિંમતો બમણાથી વધુ થઈ ગઈ છે, જ્યારે નવા ભાડા કરારનું ભાડું પણ લગભગ બમણું થયું છે. પરિણામે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને યુવાનો માટે ઘર ખરીદવું કે ભાડે રહેવું મુશ્કેલ બન્યું છે. વડાપ્રધાન લુઈસ મોન્ટેનેગ્રોએ કાયદો પાછો ખેંચવાનો ઇનકાર કર્યો છે, જોકે તેમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે. આવાસ સંકટને લઈને પોર્ટુગલમાં આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શનો ચાલુ રહેવાની શક્યતા છે.





