ઇઝરાયલમાં બહુમતી વિના પણ સત્તા જાળવવા નેતન્યાહૂની કવાયત, તૈયાર કર્યો પ્લાન-B; આઈઝેનકોટ સાથે સરકાર રચવાની તૈયારી

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ 2026ની સંસદીય ચૂંટણીમાં પોતાના જમણેરી ગઠબંધનને બહુમતી ન મળવાની સંભાવના વચ્ચે સત્તા જાળવી રાખવા માટે નવા રાજકીય સમીકરણો રચી રહ્યા છે. અહેવાલો અનુસાર, નેતન્યાહૂ વિપક્ષી નેતા ગાદી આઈઝેનકોટ સાથે મળીને રાષ્ટ્રીય એકતા સરકાર રચવાનો વિકલ્પ વિચારી રહ્યા છે. જોકે, આઈઝેનકોટે હજુ સુધી આ પ્રસ્તાવ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. *ધ જેરુસલેમ પોસ્ટ*ના અહેવાલ મુજબ, નેતન્યાહૂનું પરંપરાગત જમણેરી ગઠબંધન એકલા હાથે સરકાર રચી શકે તેવી સ્થિતિમાં નથી. તેથી સરકાર રચવા માટે વિપક્ષ સાથે સમજૂતી કરવાના પ્રયાસો તેજ બન્યા છે.
120 બેઠકોની સંસદમાં બહુમતીનો પેચ
ઇઝરાયલની સંસદ નેસેટમાં કુલ 120 બેઠકો છે અને સરકાર રચવા માટે ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર પડે છે. અહેવાલમાં દર્શાવાયેલા સંભવિત ચૂંટણી પરિણામો મુજબ, નેતન્યાહૂના જમણેરી જૂથને 53 બેઠકો, ગાદી આઈઝેનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષી જૂથને 48 બેઠકો અને આરબ પક્ષોને કુલ 19 બેઠકો મળી શકે છે. આ આંકડાઓ મુજબ કોઈ પણ જૂથ એકલા હાથે બહુમતી મેળવી શકે તેમ નથી. પરિણામે, સરકાર રચવા માટે ગઠબંધન અનિવાર્ય બની શકે છે. આ રાજકીય સ્થિતિમાં આરબ પક્ષોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની છે, જોકે નેતન્યાહૂ તેમની સાથે ગઠબંધન કરવા ઇચ્છુક નથી.
નેતન્યાહૂના પ્લાન-Bમાં બે વિકલ્પ
નેતન્યાહૂના નજીકના વર્તુળો આઈઝેનકોટને સરકારમાં સામેલ કરવા માટે બે સંભવિત વ્યવસ્થાઓ પર વિચાર કરી રહ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
-
પહેલો વિકલ્પ: નેતન્યાહૂ સરકારના પ્રથમ બે વર્ષ સુધી વડાપ્રધાન રહે અને ત્યારબાદ આઈઝેનકોટને વડાપ્રધાનપદ સોંપવામાં આવે.
-
બીજો વિકલ્પ: નેતન્યાહૂ સમગ્ર સંસદીય કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન રહે અને આઈઝેનકોટને સરકારમાં મહત્ત્વનાં મંત્રાલયોની જવાબદારી આપવામાં આવે.
જોકે, આઈઝેનકોટ અગાઉ નેતન્યાહૂના નેતૃત્વ હેઠળ કામ કરવા તૈયાર ન હોવાની વાત કહી ચૂક્યા છે. તેથી આ પ્રસ્તાવને તેઓ સ્વીકારશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા છે.
અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષોને સરકારથી દૂર રાખવાની યોજના
નવી સરકાર રચવાની કવાયતમાં અતિ રૂઢિવાદી યહૂદી પક્ષોને શરૂઆતમાં સરકારની બહાર રાખવાનો વિકલ્પ પણ વિચારાઈ રહ્યો છે. આ નિર્ણય પાછળનું એક મહત્ત્વનું કારણ સૈન્ય ભરતીનો વિવાદ છે. ઇઝરાયલમાં અતિ રૂઢિવાદી યહૂદી સમુદાયના પુરુષોને સૈન્યમાં ફરજિયાત સેવા આપવાના મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ સમુદાયને સૈન્ય સેવામાંથી મળતી છૂટ અને ભરતી સંબંધિત કાયદા અંગે રાજકીય મતભેદો છે. નેતન્યાહૂના નજીકના લોકોના મતે, અતિ રૂઢિવાદી પક્ષોને સરકારમાં સામેલ કર્યા વિના પણ ભરતી સંબંધિત કાયદો પસાર કરવાનો પ્રયાસ થઈ શકે છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ આ પક્ષોને ગઠબંધનમાં સામેલ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખી શકાય છે. પ્રસ્તાવિત સરકારમાં નેતન્યાહૂ, આઈઝેનકોટ ઉપરાંત ઇતામાર બેન-ગ્વિવર અને બેઝાલેલ સ્મોટ્રિચ જેવા નેતાઓને સ્થાન મળી શકે છે. જોકે, આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો હોવાનું સ્પષ્ટ નથી.
સરકાર ન રચાય તો ફરી ચૂંટણીની શક્યતા
જો કોઈ પણ પક્ષ કે ગઠબંધન સરકાર રચવામાં સફળ નહીં થાય, તો ઇઝરાયલમાં ફરી ચૂંટણી યોજવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. અહેવાલ મુજબ, સત્તાવાર ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ વિવિધ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરીને સરકાર રચવાની શક્યતાઓનું મૂલ્યાંકન કરી શકે છે. ત્યાં સુધી નેતન્યાહૂ કાર્યવાહક વડાપ્રધાન તરીકે ચાલુ રહી શકે છે. જોકે, અંતિમ નિર્ણય ચૂંટણીનાં સત્તાવાર પરિણામો અને ગઠબંધન માટેની વાટાઘાટો પર નિર્ભર રહેશે. હાલની સ્થિતિમાં નેતન્યાહૂ માટે સૌથી મોટો પડકાર બહુમતીનો આંકડો મેળવવાનો છે. આઈઝેનકોટ સાથે સમજૂતી થાય છે કે નહીં, અતિ રૂઢિવાદી પક્ષોને સરકારથી દૂર રાખવાની યોજના સફળ થાય છે કે નહીં અને અંતે ફરી ચૂંટણી યોજવાની નોબત આવે છે કે કેમ, તેના પર ઇઝરાયલના રાજકીય ભવિષ્યનો આધાર રહેશે.










