મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નેતન્યાહૂને સત્તા ગુમાવવાનો ડર! અરબ પાર્ટીની સીટો વધી 19 , સરકાર રચવા માટે 61 બેઠકોની સ્પષ્ટ બહુમતી

નેતન્યાહૂને સત્તા ગુમાવવાનો ડર! અરબ પાર્ટીની સીટો વધી 19 , સરકાર રચવા માટે 61 બેઠકોની સ્પષ્ટ બહુમતી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઈઝરાયલની 120 બેઠકો ધરાવતી સાંસદ (કેનેસેટ - Knesset) ની સામાન્ય ચૂંટણીના સામે આવી રહેલા પરિણામોએ દેશના રાજકારણમાં ત્રિશંકુ સ્થિતિનું સર્જન કર્યું છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC) દ્વારા 89.8% મતોની ગણતરી બાદ જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વ હેઠળના દક્ષિણપંથી ગઠબંધનને 53 બેઠકો અને મુખ્ય વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ (Gadi Eisenkot) ની 'યાશાર' (Yashar) પાર્ટી સંચાલિત ગઠબંધનને 48 બેઠકો મળતી દેખાઈ રહી છે. જ્યારે 19 બેઠકો અરબ પાર્ટીઓના ખાતામાં આવી જતાં નેતન્યાહૂનું ટેન્શન વધી ગયું છે. તેમને સત્તા ગુમાવવાનો ડર પેઠો છે કેમ કે અરબ પાર્ટી આઈઝનકોટ સાથે મળીને સત્તામાં બેસવા તૈયારી દર્શાવી ચૂક્યા છે.

ઈઝરાયલમાં સરકાર રચવા માટે 61 બેઠકોની સ્પષ્ટ બહુમતી જરૂરી છે. આ પરિસ્થિતિમાં બંને મુખ્ય વિરોધી જુથો બહુમતીના જાદુઈ આંકડાથી ઘણા દૂર રહી જતાં ઈઝરાયલમાં સત્તાનો તાજ કોના શિરે સજશે તે અંગે ભારે સસ્પેન્સ સર્જાયું છે.

લિકુડ (નેતન્યાહૂ): 26 બેઠકો (સૌથી મોટો પક્ષ)

યાશાર (આઇઝનકોટ): 21 બેઠકો

બીયાચાદ (નાફ્તાલી બેનેટ) & જોઇન્ટ લિસ્ટ: 12-12 બેઠકો

ધ ડેમોક્રેટ્સ, ઓત્ઝમા યેહુદા, શાસ્, યૂનાઇટેડ તોરાહ જુડેઇઝમ, રામ & ઈઝરાયલ બેઇતેનૂ: 7 થી 8 બેઠકો

રિલીજિયસ ઝાયોનીઝમ (સ્મોટ્રિચ): 6 બેઠકો

આખરી પરિણામોમાં કેમ વિલંબ?

ચૂંટણી પંચ (CEC) ના જણાવ્યા અનુસાર, હજુ સુધી આશરે 4.3 થી 4.8 લાખ જેટલા 'ડબલ એન્વલપ' (Double Envelope) મતોની ગણતરી બાકી છે. આ મતોમાં સૈનિકો, જેલના કેદીઓ, વિદેશમાં તૈનાત રાજદૂતો અને દિવ્યાંગોના મતોનો સમાવેશ થાય છે. ગુરુવારે સાંજે આ તમામ ગણતરી પૂર્ણ થયા બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે, જ્યારે સરકાર દ્વારા અધિકૃત આખરી પરિણામો 4 નવેમ્બરે જાહેર કરાશે.

અરબ પક્ષોનું ઐતિહાસિક પ્રદર્શન: 19 બેઠકો સાથે બન્યા રણનીતિક રીતે મજબૂત

આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર અરાબિક નાગરિકોના પ્રતિનિધિત્વ કરતા પક્ષો દ્વારા જોવા મળ્યો છે. રેકોર્ડબ્રેક મતદાનના જોરે 'જોઇન્ટ લિસ્ટ' (Joint List) અને 'રામ' (Ra'am) પક્ષોએ મળીને કુલ 19 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જે તેમનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ અને ઐતિહાસિક પ્રદર્શન છે. ભૂતકાળમાં આ પક્ષો વધુમાં વધુ 15 બેઠકો મેળવી શક્યા હતા. જો વિરોધ પક્ષો અરાબિક નેતાઓ સાથે હાથ મિલાવવા તૈયાર થાય, તો તેઓ નેતન્યાહૂને સત્તા પરથી હટાવવામાં 'કિંગમેકર' ની ભૂમિકા ભજવી શકે છે.

આ સમાચાર શેર કરો