મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

‘ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી!’ સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ, બેન્કો પણ ભોગ બનનારને વળતર આપે

‘ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી!’ સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ, બેન્કો પણ ભોગ બનનારને વળતર આપે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ડિજિટલ ઈન્ડિયા (Digital India)ના યુગમાં સાયબર છેતરપિંડી (Cyber Fraud)ના કિસ્સાઓ સતત ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાસ કરીને ડિજિટલ અરેસ્ટ (Digital Arrest)ના નામે લોકોને ડરાવીને લાખો-કરોડો રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે બેન્કો અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ને કડક પગલાં ભરવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં બેન્કની બેદરકારી સાબિત થાય તો ડિજિટલ ફ્રોડના પીડિતોને બેન્કોએ વળતર (Compensation) ચૂકવવું જોઈએ. સાથે જ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન રોકવા અને દેશભરમાં જાગૃતિ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો છે.

બેન્કોની બેદરકારી હોય તો પીડિતોને વળતર ચૂકવવું પડશે

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે કહ્યું કે સાયબર ગુનાઓને રોકવા માટે માત્ર ઘટના બન્યા પછી તપાસ કરવી પૂરતી નથી. બેન્કોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે. જો બેન્કની બેદરકારીને કારણે ગ્રાહકના નાણાં ગુમાય અને તપાસમાં તે સાબિત થાય તો પીડિતને વળતર આપવાની જોગવાઈ હોવી જોઈએ.

કોર્ટે RBIને બેન્કોના નિયમનકારી માળખામાં (Regulatory Framework) વળતર, આગોતરાં સુરક્ષા પગલાં અને જવાબદારી નક્કી કરતી જોગવાઈઓ સામેલ કરવા જણાવ્યું છે.

શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન તરત રોકવાની વ્યવસ્થા કરો

સુપ્રીમ કોર્ટે બેન્કોની કામગીરી અંગે મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો હતો. જો કોઈ ખાતામાં અચાનક અસામાન્ય લેવડદેવડ (Unusual Transactions) થાય તો બેન્ક તેને વેરિફિકેશન (Verification) થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે રોકી કેમ ન શકે?

કોર્ટે સૂચવ્યું છે કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની તપાસ થવી જોઈએ અને તેની જાણકારી સ્થાનિક પોલીસને પણ આપવી જોઈએ. આ પ્રકારની વ્યવસ્થાથી સાયબર ગુનેગારોના હાથમાં નાણાં પહોંચતાં પહેલાં જ તેમને રોકી શકાય છે.

2026માં 800 કરોડથી વધુની છેતરપિંડી

કોર્ટમાં રજૂ થયેલી વિગતો મુજબ, વર્ષ 2026માં દેશમાં ડિજિટલ અરેસ્ટના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે અને સાયબર ગુનેગારોએ 800 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. વર્ષ 2025માં ડિજિટલ અરેસ્ટના 58,239 કેસ સામે આવ્યા હતા, જેમાં આશરે 1,211 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

કોર્ટે નોંધ્યું હતું કે સાયબર ગુનાઓના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં નાગરિકોને થઈ રહેલું આર્થિક નુકસાન ગંભીર છે. આથી ગુનાઓ અટકાવવા માટે અગાઉથી જ મજબૂત વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.

‘મોબાઈલ દિવાલ પર પછાડો અને ધરપકડમાંથી છૂટી જાઓ!’

ડિજિટલ અરેસ્ટના નામે લોકો છેતરાઈ રહ્યા છે તે અંગે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે ભણેલા-ગણેલા લોકો પણ આવી છેતરપિંડીનો ભોગ કેવી રીતે બની જાય છે?

તેમણે મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી. લોકો મોબાઈલ પર ધરપકડ થઈ શકે છે તેવો ડર કેમ રાખે છે? તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ‘મોબાઈલ દિવાલ પર પછાડો અને ધરપકડમાંથી છૂટી જાઓ.’

CJIએ વધુમાં કહ્યું કે લોકોએ સમજવું જોઈએ કે લોકશાહી દેશમાં કોઈને વીડિયો કોલ કે મોબાઈલ દ્વારા ધરપકડ કરી શકાય નહીં. ભણેલા-ગણેલા લોકો આવી વાતોમાં ફસાઈ જાય છે તે ચિંતાજનક છે.

2.5 કરોડ ગુમાવનાર મહિલાનો કિસ્સો પણ સામે આવ્યો

કોર્ટમાં એમિકસ ક્યુરી (Amicus Curiae) અને વરિષ્ઠ વકીલ એન.એસ. નપ્પિનઈએ તાજેતરનો એક કિસ્સો રજૂ કર્યો હતો. જેમાં એક મહિલાએ ડિજિટલ અરેસ્ટના નામે આશરે 2.5 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.

સાયબર ગુનેગારો પોલીસ, તપાસ એજન્સી અથવા સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને લોકોને વીડિયો કોલ કરે છે. ત્યારબાદ ધરપકડ, કાનૂની કાર્યવાહી અથવા ગંભીર ગુનામાં સંડોવણીનો ડર બતાવીને તેમને માનસિક દબાણમાં મૂકે છે. ડરના કારણે લોકો તેમની વાત માનીને પોતાની બચત ગુનેગારોને ટ્રાન્સફર કરી દે છે.

સાયબર ફ્રોડ માટે અલગ કાયદો બનાવવાની ભલામણ

સુપ્રીમ કોર્ટે સાયબર ફ્રોડને સામાન્ય છેતરપિંડી કરતાં વધુ ગંભીર ગુનો ગણાવી તેના માટે અલગ કાયદાકીય જોગવાઈઓ બનાવવાની ભલામણ કરી છે. ગુનેગારોને આકરી સજા મળે તે દિશામાં કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ તેમ પણ જણાવ્યું છે.

કોર્ટે RBIને સૂચિત KYC Amendment Directions, 2026ની સમીક્ષા કરવા અને નાણાકીય સંસ્થાઓની યાદી રજૂ કરવા કહ્યું છે. અહેવાલ મુજબ, સૂચિત નિર્દેશોને 30 નવેમ્બરે જાહેર કરવાની અને 31 ડિસેમ્બરથી અમલમાં મૂકવાની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ છે.

જાગૃતિ અભિયાન છતાં શિક્ષિત લોકો છેતરાય છે!

સુપ્રીમ કોર્ટે સરકાર અને RBIને ડિજિટલ અરેસ્ટ સામે વ્યાપક જનજાગૃતિ અભિયાન (Awareness Campaign) ચલાવવા પર ભાર મૂક્યો છે. અખબારોમાં અહેવાલો, કોર્ટના આદેશો અને સરકારી ચેતવણીઓ છતાં શિક્ષિત લોકો પણ સાયબર ગુનેગારોના જાળમાં ફસાઈ રહ્યા છે તે અંગે કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

લોકોએ યાદ રાખવું જોઈએ કે કોઈ પોલીસ અધિકારી કે સરકારી એજન્સી વીડિયો કોલ પર ધરપકડ કરતી નથી અને ધરપકડથી બચવા માટે પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતી નથી. આવી કોઈ પણ શંકાસ્પદ કૉલ આવે તો ગભરાયા વગર પરિવારજનોને જાણ કરવી અને સત્તાવાર પોલીસ અથવા સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરવો જરૂરી છે.

 

આ સમાચાર શેર કરો