Ahmedabad news: સુપ્રીમ કોર્ટના નકલી ડોક્યુમેન્ટ બતાવી વૃદ્ધ દંપતિને કરાયા ‘ડિજિટલ અરેસ્ટ’, ગઠિયાઓએ લાખો રૂપિયા પડાવ્યા

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતા એક 65 વર્ષીય નિવૃત્ત નાગરિક અને તેમના પત્ની સાયબર ગુનેગારોની ‘ડિજિટલ અરેસ્ટ’ની જાળમાં ફસાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેલિકોમ વિભાગ, મુંબઈ ક્રાઇમ બ્રાંચ અને ન્યાયતંત્રના ઉચ્ચ અધિકારીઓ હોવાનો સ્વાંગ રચી ઠગ ટોળકીએ વૃદ્ધ દંપતીને ઘરની અંદર જ કેદ રહેવા મજબૂર કરી દીધા હતા. ધરપકડનો ભય અને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને સાયબર ગઠિયાઓએ નિવૃત્ત નાગરિક પાસેથી કુલ 18.7 લાખની રકમ પડાવી લીધી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
આ સમગ્ર કૌભાંડની શરૂઆત 18મી ઑક્ટોબરના રોજ થઈ હતી, જ્યારે ફરિયાદીને વિજય શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાને દિલ્હી ટેલિકોમ બ્રાંચનો અધિકારી ગણાવ્યો હતો. તેણે ધમકાવતા કહ્યું કે, ફરિયાદીના આધાર કાર્ડ પર મુંબઈમાં ગેરકાયદે સિમકાર્ડ લેવામાં આવ્યું છે અને મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.' ત્યારબાદ બીજા દિવસે એસ કે જયસવાલ નામના નકલી તપાસ અધિકારીએ વીડિયો કોલ કરીને દાવો કર્યો કે, જેટ એરવેઝના નરેશ ગોયલ સાથે મળીને ફરિયાદીએ 20 લાખનું મની લોન્ડરિંગ કર્યું છે.
વિશ્વાસ જીતવા માટે ઠગોએ સુપ્રીમ કોર્ટ, ED અને સીબીઆઈના લોગો ધરાવતા નકલી દસ્તાવેજો તથા ભારતના મુખ્ય ન્યાયાધીશની બનાવટી સહીવાળા પત્રો વોટ્સએપ પર મોકલ્યા હતા. દંપતીને 24 કલાક વીડિયો કોલ પર નજર હેઠળ રાખી હાઉસ અરેસ્ટ કરી દેવાયા હતા અને કોઈને જાણ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી હતી. આ દબાણ હેઠળ આવીને ફરિયાદીએ પોતાના ડીમેટ ખાતાના શેર વેચી 15.2 લાખ અને પત્નીના દાગીના વેચીને 3.5 લાખ એમ કુલ 18.7 લાખ ઠગોએ આપેલા ખાતામાં જમા કરાવ્યા હતા.
ઠગોએ વધુ નાણાં માટે ઘર વેચવાનું દબાણ કરતા ફરિયાદીએ ઇનકાર કર્યો હતો, જેથી ઠગોએ સંપર્ક કાપી નાખ્યો હતો. આખરે 20 નવેમ્બરના રોજ દીકરીના માધ્યમથી ડિજિટલ અરેસ્ટના ફ્રોડ વિશે ખબર પડતા જ વૃદ્ધને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો. હાલમાં પોલીસે વોટ્સએપ ચેટ અને બેન્ક વિગતોના આધારે ગુનેગારોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

