Video: ઉમરગામમાં ભાજપનો આંતરિક વિખવાદ

વલસાડ જિલ્લાના ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કાર્યક્રમમાં ધારાસભ્ય રિબિન કાપવાને એક કલાક સુધી ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યોની રાહ જોવી પડી હતી. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત માત્ર બે સભ્યો જ હાજર રહેતાં આખરે ગણતરીના લોકોની હાજરીમાં મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કર્યા વિના જ કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા અને જતા પહેલાં માત્ર બે સ્ટોલની મુલાકાત લીધી હતી. મોટી બહુમતી ધરાવતી ઉમરગામ પાલિકાના સભ્યો જ કેન્દ્ર સરકારના સ્વદેશી મેળાના કાર્યક્રમમાં હાજર ન રહેતાં ભાજપના સંગઠન વચ્ચે સંકલનના અભાવની ચર્ચા શરૂ થઈ છે. પ્રજાલક્ષી કાર્યક્રમમાં પદાધિકારીઓની ગેરહાજરી અને ધારાસભ્યના દીપ પ્રાગટ્ય વિના પરત ફરવાના નિર્ણયને લઈને અનેક સવાલો ઊભા થયા છે.








