મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

America/ ચૂંટણીમાં મતદાન કરનાર પ્રથમ પોપ બન્યા પોપ લિયો XIV! શિકાગોથી પોસ્ટલ બેલેટ મોકલી ઇતિહાસ રચ્યો

America/ ચૂંટણીમાં મતદાન કરનાર પ્રથમ પોપ બન્યા પોપ લિયો XIV! શિકાગોથી પોસ્ટલ બેલેટ મોકલી ઇતિહાસ રચ્યો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી (Midterm Elections) પહેલાં વેટિકનના પોપ લિયો XIVએ મતદાન કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તેઓ અમેરિકાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરનાર પ્રથમ પોપ બન્યા છે. વેટિકને શુક્રવારે પુષ્ટિ કરી હતી કે પોપે પોતાના વતન શિકાગો (Chicago)થી પોસ્ટલ બેલેટ (Mail-in Ballot) દ્વારા મત આપ્યો છે. આગામી 3 નવેમ્બરે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે.

પોપ લિયો XIV અગાઉ રોબર્ટ પ્રેવોસ્ટ (Robert Prevost) તરીકે ઓળખાતા હતા. તેઓ અમેરિકાના નાગરિક હોવાથી તેમને મતદાનનો અધિકાર છે. વેટિકનના પ્રેસ કાર્યાલયે જણાવ્યું હતું કે પોપે અમેરિકાના નાગરિક તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેઓ જ્યારે પણ મતદાન માટે પાત્ર રહ્યા છે ત્યારે તેમણે મત આપ્યો છે.

લોકશાહીમાં નાગરિકોની ભાગીદારી જરૂરી

વેટિકન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે પોપ નાગરિકોના લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાના અધિકાર અને ફરજમાં વિશ્વાસ ધરાવે છે. જોકે, પોપે કયા ઉમેદવારને મત આપ્યો છે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

અમેરિકન કેથોલિક બિશપ્સની પરિષદે પણ પોપના આ પગલાને નાગરિક જવાબદારીનું ઉદાહરણ ગણાવ્યું હતું. સંસ્થાએ લોકોને રાજકીય વિચારધારાથી ઉપર ઊઠીને માનવ ગરિમા અને સામૂહિક હિતને મહત્ત્વ આપવા અપીલ કરી હતી.

અગાઉ પણ અનેક ચૂંટણીમાં કરી ચૂક્યા છે મતદાન

પોપ લિયો XIV માત્ર અમેરિકાના જ નહીં, પરંતુ પેરુ અને વેટિકનના પણ નાગરિક છે. તેઓ લાંબા સમય સુધી પેરુમાં પાદરી અને બિશપ તરીકે રહ્યા હતા. અમેરિકાના કાયદા અનુસાર વિદેશમાં રહેતા અમેરિકન નાગરિકો પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2000 પછી રોબર્ટ પ્રેવોસ્ટ તરીકે તેમણે ઇલિનોઇસ રાજ્યની પાંચ પ્રાથમિક ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું. બે વખત ડેમોક્રેટિક અને ત્રણ વખત રિપબ્લિકન પાર્ટીની પ્રાથમિક ચૂંટણી માટે બેલેટ માગ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થઈ ચૂક્યો છે વિવાદ

મે 2025માં પોપ બન્યા બાદ લિયો XIV અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અનેક મુદ્દે મતભેદ જોવા મળ્યા છે. ઈરાન સામેના અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધની ટીકા અને ઇમિગ્રેશન નીતિઓ અંગે પોપના નિવેદનોને લઈને ટ્રમ્પે તેમની ટીકા કરી હતી. ટ્રમ્પે એક સમયે પોપને 'નબળા' પણ ગણાવ્યા હતા.

જોકે, પોપે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ પ્રશાસનથી ડરતા નથી અને ચર્ચના સંદેશને નિર્ભયતાથી રજૂ કરતા રહેશે. અમેરિકાની ચૂંટણીમાં તેમનું મતદાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

આ સમાચાર શેર કરો