મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

America/ ભારતીય મૂળના કમલા હેરિસ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે? અટકળો તેજ

America/ ભારતીય મૂળના કમલા હેરિસ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે? અટકળો તેજ

અમેરિકાના રાજકારણમાં 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકાનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ફરી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે કે નહીં, તે અંગે તેમણે હજુ કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. હાલમાં તેમનું મુખ્ય ધ્યાન નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી (Midterm Elections)માં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોને જીતાડવા પર છે.

કમલા હેરિસે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે હારનો સામનો કર્યો હતો. જોકે, ત્યારબાદ પણ તેમણે 2028માં ફરી ચૂંટણી લડવાની શક્યતાને નકારી નથી. આથી તેમની આગામી રાજકીય ચાલ પર અમેરિકાની રાજકીય દુનિયાની નજર છે.

21થી 30 ઓક્ટોબર સુધી પ્રચાર અભિયાન

કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં 21થી 30 ઓક્ટોબર સુધી પ્રચાર અભિયાન (Campaign)નું આયોજન કર્યું છે. આ દરમિયાન તેઓ નેવાડા, મિસિસિપી, ન્યૂ હેમ્પશાયર, વિસ્કોન્સિન અને જ્યોર્જિયા જેવા રાજ્યોમાં જઈને ઉમેદવારો માટે પ્રચાર કરશે. ફ્લોરિડામાં તેઓ ઑનલાઇન કાર્યક્રમમાં ભાગ લેશે.

હેરિસ 21 ઓક્ટોબરે નેવાડાથી પ્રચારની શરૂઆત કરશે. અહીં તેઓ રાજ્યના એટર્ની જનરલ એરોન ફોર્ડ સાથે કાર્યક્રમમાં ભાગ લેશે. જો ફોર્ડ ગવર્નર તરીકે ચૂંટાશે તો તેઓ રાજ્યના પ્રથમ અશ્વેત ગવર્નર બનશે.

22 ઓક્ટોબરે કમલા હેરિસ મિસિસિપીમાં સ્કોટ કોલમના સમર્થનમાં પ્રચાર કરશે. કોલમ જીતશે તો પુનર્નિર્માણ કાળ પછી રાજ્યમાંથી ચૂંટાનારા પ્રથમ અશ્વેત અમેરિકન સેનેટર બનશે.

પ્રજનન સ્વાસ્થ્ય અને મતદારોના અધિકારો પર ભાર

24 ઓક્ટોબરે ન્યૂ હેમ્પશાયરમાં હેરિસ સેનેટના ઉમેદવાર ક્રિસ પપ્પાસ સાથે પ્રચાર કરશે. આ દરમિયાન પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive Health) અને ગર્ભપાતના અધિકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

26 ઓક્ટોબરે તેઓ વિસ્કોન્સિનમાં ગવર્નર પદના ઉમેદવાર ડેવિડ ક્રાઉલી સાથે પ્રચાર અભિયાનમાં જોડાશે.

ત્યારબાદ 28 ઓક્ટોબરથી હેરિસ જ્યોર્જિયામાં ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. અહીં તેઓ સેનેટર જોન ઓસોફ સાથે પ્રચાર કરશે અને મતદારોના અધિકારોના રક્ષણ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં હાજરી આપશે. 30 ઓક્ટોબરે તેઓ એટલાન્ટામાં ડેમોક્રેટિક પાર્ટીના વાર્ષિક કાર્યક્રમને સંબોધિત કરશે.

2028ની ચૂંટણી અંગે અટકળો તેજ

કમલા હેરિસના આ પ્રચાર પ્રવાસમાં એવા કેટલાક રાજ્યોનો પણ સમાવેશ થાય છે, જે 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રાથમિક પ્રક્રિયા (Primary Elections) માટે મહત્ત્વ ધરાવે છે. આ કારણે તેઓ ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડશે કે નહીં, તે અંગેની અટકળો વધુ તેજ બની શકે છે.

જોકે, હેરિસની ટીમે સ્પષ્ટ કર્યું છે કે હાલનો પ્રવાસ આગામી મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવારોને સમર્થન આપવા માટે છે. તેથી 2028 અંગેનો અંતિમ નિર્ણય હજુ બાકી છે.

હાલમાં કમલા હેરિસ માટે સૌથી મોટો પડકાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોને ચૂંટણીમાં સફળતા અપાવવાનો છે. આગામી ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન તેમની ભવિષ્યની રાજકીય ભૂમિકા માટે પણ મહત્ત્વનું બની શકે છે.

આ સમાચાર શેર કરો