મુખ્ય સામગ્રી પર જાઓ

ચીન માટે જાસૂસી કરતી હતી મહિલા, નિશાન પર હતા Nvidiaના CEO! અમેરિકી રિપોર્ટમાં મોટો ખુલાસો

ચીન માટે જાસૂસી કરતી હતી મહિલા, નિશાન પર હતા Nvidiaના CEO! અમેરિકી રિપોર્ટમાં મોટો ખુલાસો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ચીન માટે જાસૂસી કરવાના આરોપોનો સામનો કરી રહેલી સિંગાપોરની એક કંપની સાથે અમેરિકાની દિગ્ગજ ટેક કંપની Nvidiaના સંબંધોને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. Nvidiaના CEO જેન્સન હુઆંગે (Jensen Huang) આ કંપની સાથેના વ્યવસાયિક વ્યવહારોને સામાન્ય ગણાવ્યા છે. બીજી તરફ, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ આ કંપનીની એક ટોચની અધિકારીને ચીન માટે કામ કરતી જાસૂસી સંપત્તિ (Intelligence Asset) તરીકે ઓળખી હોવાનો અહેવાલ સામે આવ્યો છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ (Megaspeed)ની ટોચની અધિકારી એલિસ હુઆંગ (Alice Huang) પર ચીનને અદ્યતન Nvidia AI ચિપ્સ અને ગુપ્ત માહિતી પહોંચાડવાના કાવતરામાં સામેલ હોવાની શંકા છે. આ મામલે અમેરિકાની તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે.

Nvidiaના CEOએ શું કહ્યું?

જેન્સન હુઆંગે ગુરુવારે આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મેગાસ્પીડ સાથે Nvidiaના સંબંધો યોગ્ય અને સામાન્ય વ્યવસાયિક પ્રક્રિયાનો ભાગ હતા. તેમણે કહ્યું કે કંપનીએ મેગાસ્પીડ દ્વારા ખરીદવામાં આવેલા તમામ GPU (Graphics Processing Units)ના ઉપયોગ અને ડિપ્લોયમેન્ટની તપાસ કરી હતી.

હુઆંગના જણાવ્યા પ્રમાણે, Nvidiaએ દરેક GPU ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેની ગણતરી પણ કરી હતી. અમેરિકી સરકારે પણ આ વ્યવહારોની તપાસ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

એલિસ હુઆંગ સાથેની પોતાની મુલાકાતો અંગે તેમણે કહ્યું કે ચીનના ગ્રાહકો અને કંપનીના અધિકારીઓ સાથે જે રીતે સામાન્ય મુલાકાતો થાય છે, તેવી જ મુલાકાતો તેમની સાથે પણ થઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે એલિસ હુઆંગ હવે મેગાસ્પીડ સાથે જોડાયેલી નથી.

એલિસ હુઆંગ પર શું છે જાસૂસીના આરોપ?

એલિસ હુઆંગ ચીનની નાગરિક છે અને સિંગાપોરની મેગાસ્પીડ કંપનીમાં ટોચના હોદ્દા પર રહી ચૂકી છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ તેને ચીન માટે માહિતી એકત્રિત કરતી વ્યક્તિ તરીકે ઓળખી હોવાનો ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો છે.

અમેરિકાના વાણિજ્ય વિભાગે બાઈડન સરકારના કાર્યકાળના અંતિમ સમયમાં મેગાસ્પીડની તપાસ શરૂ કરી હતી. કંપની પર ચીનને અમેરિકાના નિકાસ પ્રતિબંધોથી બચાવીને Nvidiaની અદ્યતન AI ચિપ્સ મેળવવામાં મદદ કરવાનો શંકાસ્પદ આરોપ હતો.

અહેવાલ મુજબ, એલિસ હુઆંગે જેન્સન હુઆંગ સાથે નજીકના સંબંધો વિકસાવ્યા હતા અને આ સંબંધોનો ઉપયોગ ચીન માટે માહિતી મેળવવામાં કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, Nvidiaના CEOએ પોતાને એલિસ હુઆંગની જાસૂસી પ્રવૃત્તિઓ અંગે અમેરિકી સરકાર તરફથી કોઈ જાણકારી આપવામાં આવી ન હોવાનું કહ્યું છે.

ટ્રમ્પને એક વર્ષ પહેલાં જ મળી હતી જાણકારી

આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા પણ ચર્ચામાં આવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ટ્રમ્પને આશરે એક વર્ષ પહેલાં આ ગુપ્તચર માહિતી અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી નહોતી.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ Nvidiaના વધતા વ્યવસાયને નુકસાન પહોંચાડવા માગતા નહોતા. Nvidiaનો વ્યવસાય અમેરિકાની અર્થવ્યવસ્થા અને શેરબજાર માટે મહત્વનો માનવામાં આવે છે. આ ઉપરાંત ચીન સાથેના વેપાર સંબંધો બગડવાની પણ તેમને ચિંતા હતી.

અમેરિકી અધિકારીઓએ એવી આશંકા પણ વ્યક્ત કરી હતી કે જેન્સન હુઆંગ અને ટ્રમ્પ વચ્ચેના નજીકના સંબંધોને કારણે ચીનને અમેરિકી રાષ્ટ્રપતિના વિચારો અને નીતિઓ અંગે માહિતી મળી શકે છે. તપાસ શરૂ થયા બાદ હુઆંગે મેગાસ્પીડની રોજિંદી કામગીરીમાં પોતાની ભૂમિકા ઘટાડી દીધી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Nvidiaએ ગુપ્ત માહિતી આપવાનો આરોપ ફગાવ્યો

Nvidiaના પ્રવક્તા જોન રિઝોએ કંપની અને એલિસ હુઆંગ વચ્ચેના વ્યવહારોને સામાન્ય ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે કોઈપણ કંપનીના CEO માટે ગ્રાહકો અને તેમના અધિકારીઓ સાથે મુલાકાત કરવી રોજિંદા કામનો ભાગ છે. જેન્સન હુઆંગ દર વર્ષે હજારો ગ્રાહક કંપનીઓના અધિકારીઓને મળે છે.

પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, મેગાસ્પીડ જેવા ગ્રાહકોને સામાન્ય વ્યવસાયિક માહિતી આપવામાં આવે છે, Nvidiaના ગુપ્ત વેપારી રહસ્યો (Trade Secrets) કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી કોઈ માહિતી આપવામાં આવતી નથી.

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેની ચિપ્સની ચીનમાં ગેરકાયદે દાણચોરી (Smuggling) થઈ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. મેગાસ્પીડની તપાસ કર્યા બાદ Nvidiaએ ચિપ્સની દાણચોરીના આરોપોને પણ ફગાવ્યા હતા.

ચીનના દૂતાવાસે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

વોશિંગ્ટનમાં ચીનના દૂતાવાસે જાસૂસીના આરોપોને નકારી કાઢ્યા છે. દૂતાવાસે જણાવ્યું કે ચીન વિરુદ્ધ અમેરિકાની આક્ષેપબાજી રાજકીય હેતુથી કરવામાં આવી રહી છે અને આવા આરોપો પાયાવિહોણા છે.

અમેરિકાએ 2022થી અદ્યતન Nvidia સેમિકન્ડક્ટર ચિપ્સની ચીનમાં નિકાસ રોકવા માટે નિયંત્રણો લાગુ કર્યા છે. જોકે, કેટલાક જૂથો ગેરકાયદે રીતે ચિપ્સ ચીનમાં પહોંચાડતા હોવાના અહેવાલો છે. બીજી તરફ, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ડેટા સેન્ટર સ્થાપીને ચીનની કંપનીઓને કમ્પ્યુટિંગ ક્ષમતા ભાડે આપવાનો રસ્તો પણ અપનાવવામાં આવ્યો છે.

ટ્રમ્પ સાથે Nvidiaના સંબંધો પણ ચર્ચામાં

અહેવાલમાં Nvidia અને ટ્રમ્પ વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Nvidiaએ ટ્રમ્પના બૉલરૂમ ફંડ માટે ઓછામાં ઓછા 2 કરોડ ડોલરનું દાન આપ્યું હોવાનું જણાવાયું છે. કંપનીએ અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રે 500 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.

ગયા વર્ષે ટ્રમ્પે Nvidiaને જૂની પેઢીની ચિપ્સ ચીનમાં વેચવાની મંજૂરી આપી હતી. તેના બદલામાં વેચાણની આવકનો એક હિસ્સો અમેરિકાને આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ જેન્સન હુઆંગે વધુ અદ્યતન ટેક્નોલોજીની ચિપ્સ પણ ચીનમાં વેચવાની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. જોકે, આ પ્રસ્તાવને લઈને અમેરિકી સાંસદો અને વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ટ્રમ્પે આખરે વધુ શક્તિશાળી ચિપ્સના વેચાણને મંજૂરી આપી નહોતી.

આ સમગ્ર મામલે અત્યારે જાસૂસીના આરોપો, ટેક્નોલોજી નિકાસ પરના નિયંત્રણો અને અમેરિકા-ચીન વચ્ચેના સંબંધો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જોકે, એલિસ હુઆંગ સામેના આરોપો અંગે તપાસના અંતિમ નિષ્કર્ષની રાહ જોવાઈ રહી છે.

 

આ સમાચાર શેર કરો