ઉઇગરો પાસે બળજબરીથી મજૂરી કરાવવાના આરોપ: અમેરિકાએ ચીનની 3 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકા અને ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. અમેરિકી સરકારે ચીનની ત્રણ જિનોમિક્સ કંપનીઓનાં ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીઓ પર ચીનના શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગર અને અન્ય વંશીય લઘુમતી સમુદાયોના લોકો પાસે બળજબરીથી મજૂરી કરાવવાના કામમાં સામેલ હોવાનો આરોપ છે. અમેરિકાના આ નિર્ણયથી ચીનના બાયોટેકનોલોજી અને જિનોમિક્સ ક્ષેત્ર પર દબાણ વધવાની શક્યતા છે.
કઈ ત્રણ કંપનીઓ પર કાર્યવાહી થઈ?
અમેરિકાના નિશાન પર આવેલી કંપનીઓમાં BGI Genomics, MGI Tech અને Shenzhen BGI Technologyનો સમાવેશ થાય છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, Shenzhen BGI Technologyને BGI Groupના નામથી પણ ઓળખવામાં આવે છે. અમેરિકાનો આરોપ છે કે આ કંપનીઓએ શિનજિયાંગની સ્થાનિક સરકાર સાથે મળીને બળજબરીથી મજૂરી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને શક્ય બનાવવામાં મદદ કરી હતી. આ આરોપોના આધારે અમેરિકી વહીવટીતંત્રે આ કંપનીઓનાં ઉત્પાદનોની આયાત પર નિયંત્રણો લાદ્યાં છે.
શું કામ કરે છે આ કંપનીઓ?
ત્રણેય કંપનીઓ જિનોમિક્સ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે. જિનોમિક્સમાં સજીવના DNA અને જનીનોનો અભ્યાસ કરવામાં આવે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ તબીબી સંશોધન, બીમારીઓની ઓળખ અને વૈજ્ઞાનિક અભ્યાસમાં થાય છે. BGI Genomics અને MGI Tech શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ છે. BGI Genomicsના શેર ચીનના શેનઝેન સ્ટોક એક્સચેન્જમાં, જ્યારે MGI Techના શેર શાંઘાઈના STAR માર્કેટમાં ટ્રેડ થાય છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે આ કંપનીઓ માટે અમેરિકી બજારમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બની શકે છે.
શિનજિયાંગમાં ઉઇગરોના અધિકારોનો વિવાદ
ચીનનો શિનજિયાંગ વિસ્તાર લાંબા સમયથી માનવાધિકારોને લઈને આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહ્યો છે. અહીં ઉઇગર સહિતના મુસ્લિમ લઘુમતી સમુદાયો વસે છે. આ સમુદાયોના લોકો સામે કથિત દુર્વ્યવહાર, દેખરેખ અને બળજબરીથી મજૂરી કરાવવાના આરોપો અગાઉ પણ સામે આવ્યા છે. અમેરિકા સહિતના કેટલાક પશ્ચિમી દેશો ચીન પર આ સમુદાયોના અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા રહ્યા છે. બીજી તરફ, ચીન આ આરોપોને નકારી કાઢે છે અને શિનજિયાંગમાં બળજબરીથી મજૂરી તથા માનવાધિકારના ઉલ્લંઘન અંગેના દાવાઓને ખોટા ગણાવે છે.








