અમે ટ્રમ્પને મારી નાખીશું, તહેરાનમાં વિશાળ બેનર લગાવી ઈરાનની ખુલ્લી ધમકી

અમે ટ્રમ્પને મારી નાખીશું, તહેરાનમાં વિશાળ બેનર લગાવી ઈરાનની ખુલ્લી ધમકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ઈરાનની રાજધાની તેહરાનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યાં હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યાં છે. એક હોર્ડિંગ પર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, 'અમે ટ્રમ્પને મારી નાખીશું.' અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઈરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ આ પ્રકારનાં પ્રદર્શનો સામે આવ્યાં છે. ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ ટ્રમ્પ વિરુદ્ધનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેહરાનના વ્યસ્ત એન્ગેલાબ સ્ક્વેર પર લગાવવામાં આવેલા એક હોર્ડિંગમાં ટ્રમ્પને જેલના સળિયા પાછળ માથું ઝુકાવીને ઊભેલા દર્શાવવામાં આવ્યા છે. આ માધ્યમથી ઈરાને અમેરિકાના પ્રમુખ વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ઈરાનમાં સરકારના સમર્થનથી યોજાતા પ્રદર્શનોમાં પણ ખામેનેઈના મોતનો બદલો લેવાની માગ ઊઠી રહી છે.

ટ્રમ્પ, જેડી વેન્સ અને નેતન્યાહુને પણ નિશાન બનાવ્યા

જાહેરાત

તેહરાનમાં લગાવવામાં આવેલા અન્ય એક હોર્ડિંગમાં ટ્રમ્પની સાથે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, અમેરિકાના વિદેશદૂત સ્ટીવ વિટકોફ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને દર્શાવવામાં આવ્યા છે. ચારેયના ચહેરા લોહીથી ખરડાયેલા અને કપડાં ફાટેલી હાલતમાં બતાવવામાં આવ્યા છે. પૃષ્ઠભૂમિમાં અમેરિકા અને ઇઝરાયલના ક્ષતિગ્રસ્ત ધ્વજ પણ દર્શાવાયા છે. આ હોર્ડિંગ્સ દ્વારા ખામેનેઈના મોતનો બદલો લેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધવાની આશંકા

ટ્રમ્પ વિરુદ્ધનાં આ હોર્ડિંગ્સ એવા સમયે સામે આવ્યાં છે, જ્યારે અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી બાદ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર નવા હુમલાની તૈયારીઓના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા અને તેના સહયોગી દેશો નવા સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ, સંભવિત હુમલાની આશંકાને પગલે ઈરાને પણ પોતાની પરમાણુ સુવિધાઓની સુરક્ષા વધારી છે. ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ આ પ્રકારનાં હોર્ડિંગ્સ અને દીવાલો પરનાં ચિત્રો અગાઉ પણ જોવા મળ્યાં છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદથી ઈરાનમાં જાહેર સ્થળોએ સરકારના સમર્થનથી મોટાં હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ્સ મૂકવામાં આવે છે. આ માધ્યમથી સહયોગી દેશો અને સૈન્ય અધિકારીઓનું સન્માન કરવાની સાથે અમેરિકા અને ઇઝરાયલ જેવા વિરોધી દેશોને નિશાન બનાવવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત