હેલોવીન પર જર્મનીમાં Gen Zનું આંદોલન: 34 શહેરોમાં 1.60 લાખ યુવાનો રસ્તા પર ઉતર્યા, લક્ઝરી શોરૂમ્સનાં કાચ પાટિયાંથી ઢાંક્યાં

જર્મનીમાં હેલોવીન (Halloween)ના તહેવાર વચ્ચે Gen Zના યુવાનો દ્વારા સરકારની નીતિઓ સામે મોટાપાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે સુધારા, વધતી મોંઘવારી અને ફરજિયાત લશ્કરી સેવાના વિરોધમાં બર્લિન, ફ્રેન્કફર્ટ અને મ્યુનિક સહિત દેશનાં 34 શહેરોમાં આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આ પ્રદર્શનોમાં આશરે 1.60 લાખથી વધુ યુવાનો જોડાવાની શક્યતા છે. યુરોપના અન્ય દેશોમાં ચાલી રહેલા યુવા આંદોલનોથી પ્રેરિત થઈને ‘Gen Z regelt’ નામના જૂથ દ્વારા આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનોની મુખ્ય માગણીઓમાં શિક્ષણ માટેના બજેટમાં વધારો, મોંઘવારીમાંથી રાહત અને ફરજિયાત લશ્કરી સેવાનો વિરોધ સામેલ છે.
હિંસાની આશંકાએ લક્ઝરી શોરૂમ્સમાં સાવચેતી
વિરોધ પ્રદર્શન અને હેલોવીનનો તહેવાર એક જ દિવસે હોવાથી જર્મનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અગાઉ ફ્રાન્સમાં થયેલી હિંસા અને લૂંટફાટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જર્મન અધિકારીઓ સાવચેતી રાખી રહ્યા છે. બર્લિનના મુખ્ય શોપિંગ વિસ્તાર કુર્ફર્સ્ટેન્ડમ (Kurfürstendamm)માં અનેક મોટી દુકાનો અને લક્ઝરી શોરૂમ્સે પોતાની બારીઓ તથા કાચને લાકડાનાં પાટિયાંથી ઢાંકી દીધાં છે. કેટલાક વેપારીઓએ દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે. ગ્રાહકોની સલામતી અને મિલકતોને નુકસાનથી બચાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. જોકે, આ સાવચેતીનો અર્થ એ નથી કે તમામ સ્થળોએ હિંસા કે તોડફોડ થઈ છે.




