પાકિસ્તાનમાં પોલીસ કાફલા પર હુમલો, DSP સહિત 11 જવાનોના મોત

પાકિસ્તાનમાં પોલીસ કાફલા પર  હુમલો, DSP સહિત 11 જવાનોના મોત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બુધવારે પોલીસ ટીમ પર એક મોટો આતંકવાદી હુમલો થયો છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં હથિયારધારી આતંકીઓએ પોલીસ કાફલાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભીષણ હુમલામાં એક ડીએસપી સહિત 11 પોલીસ કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અન્ય 12 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ગેરકાયદે ખનન સામે દરોડા પાડવા જતી ટીમ પર ઓચિંતો હુમલો

જાહેરાત

એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, પોલીસની ટીમ ગેરકાયદે સોનાના ખનન સામે કાર્યવાહી કરવા માટે દરોડો પાડવા જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં ઘાત લગાવીને બેઠેલા બંદૂકધારીઓએ પોલીસ ટીમ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કોહાટ પોલીસના પ્રવક્તા મોહમ્મદ નૌમાન જેબે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે હુમલામાં 11 પોલીસકર્મીઓ શહીદ થયા છે અને 12 ઘાયલ થયા છે.

ગોળીબાર બાદ પોલીસના 5 વાહનો સળગાવી દીધા

આ હુમલો કોહાટ અને કરક જિલ્લા વચ્ચે આવેલા દરબોકાચ જલંધર બાંદા વિસ્તારમાં થયો હતો. હુમલાખોરોએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યા બાદ તેમના 5 વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને સુરક્ષાને લઈને ચિંતા ફેલાઈ ગઈ છે. જોકે, હુમલાખોરોની ઓળખ અને તેમની ચોક્કસ સંખ્યા અંગે હજુ સુધી વિગતવાર માહિતી સામે આવી નથી.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર વધતા હુમલા

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવીને સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળો સામેના હુમલાઓમાં સતત વધારો થતાં સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત