પાકિસ્તાનમાં હિંદુઓની સુરક્ષા પર સવાલો વચ્ચે શહબાઝ શરીફે પાઠવી દિવાળીની શુભેચ્છા

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દિવાળીના અવસર પર પાકિસ્તાન સહિત દુનિયાભરના હિંદુ સમુદાયને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે દિવાળીને નફરત અને અસહિષ્ણુતાના અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક ગણાવી ધાર્મિક સૌહાર્દ (Religious Harmony), ભાઈચારા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશ આપ્યો છે. જોકે, તેમના આ સંદેશ બાદ પાકિસ્તાનમાં વસતા હિંદુઓની સુરક્ષા અને અધિકારો અંગે ફરી સવાલો ઊભા થયા છે. શહબાઝ શરીફે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો હિંદુ સમુદાય દેશની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ઓળખનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમણે લઘુમતીઓના ધાર્મિક અને નાગરિક અધિકારોની સુરક્ષા કરવાની ખાતરી પણ આપી હતી. જોકે, પાકિસ્તાનમાં લઘુમતીઓની વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખતાં આ દાવાઓ સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તીના આંકડા શું કહે છે?
પાકિસ્તાનની 2023ની વસ્તી ગણતરી (Census) મુજબ, દેશમાં હિંદુ સમુદાયની વસ્તી આશરે 38.67 લાખ હતી. વર્ષ 2017માં આ આંકડો લગભગ 35.95 લાખ હતો. એટલે કે હિંદુઓની કુલ વસ્તીમાં વધારો થયો છે, પરંતુ દેશની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો 1.73 ટકાથી ઘટીને 1.61 ટકા થયો છે.
હિંદુ યુવતીઓ અને ધાર્મિક સ્થળોની સુરક્ષા અંગે ચિંતા
પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન (Forced Conversion), નાની ઉંમરે લગ્ન અને મંદિરો પર હુમલાની ઘટનાઓ લાંબા સમયથી ચિંતાનો વિષય રહી છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ (HRCP)એ પણ હિંદુ અને ખ્રિસ્તી મહિલાઓ તથા યુવતીઓના કથિત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનના મામલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાંથી કેટલાક હિંદુ પરિવારોના સ્થળાંતર પાછળ અસુરક્ષા, આર્થિક મુશ્કેલીઓ અને ભેદભાવને કારણભૂત ગણાવવામાં આવે છે.
માત્ર શુભેચ્છા નહીં, સુરક્ષા પણ જરૂરી
શહબાઝ શરીફે દિવાળીના સંદેશમાં ધાર્મિક સહિષ્ણુતા અને લઘુમતીઓના અધિકારોની વાત કરી છે. જોકે, પાકિસ્તાનના હિંદુ સમુદાય માટે સૌથી મહત્વપૂર્ણ બાબત તેમની દીકરીઓ, ધાર્મિક સ્થળો અને ઓળખની સુરક્ષા છે. દિવાળીની શુભેચ્છાઓની સાથે લઘુમતીઓને સમાન અધિકાર, સન્માન અને ભયમુક્ત વાતાવરણ મળે તે પણ એટલું જ જરૂરી છે.




