મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

“પપ્પા ક્યારે આવશે?” 3 વર્ષના દીકરાની રાહ વચ્ચે પાકિસ્તાનમાં 7 મહિનાથી ફસાયેલા 6 ભારતીય નાવિકો!

“પપ્પા ક્યારે આવશે?” 3 વર્ષના દીકરાની રાહ વચ્ચે પાકિસ્તાનમાં 7 મહિનાથી ફસાયેલા 6 ભારતીય નાવિકો!
તસવીર: AI
આ સમાચાર સાંભળો

પાકિસ્તાનના કરાચી બંદર (Karachi Port) પર એક ભારતીય માલવાહક જહાજ છેલ્લા સાત મહિનાથી અટવાયેલું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ જહાજ પર ચીફ ઓફિસર વિનીત કિશોર મિશ્રા સહિત કુલ છ ભારતીય નાવિકો ફસાયેલા છે. લાંબા સમયથી ભારત પરત ન ફરી શકવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ, નાવિકોના પરિવારો પણ ચિંતામાં છે. વિનીત મિશ્રાની પત્ની પોતાના બે નાના બાળકો અને પરિવારના સભ્યો સાથે દિલ્હી પહોંચી છે અને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તથા વિદેશ મંત્રાલયને મદદ માટે અપીલ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી વિનીત કિશોર મિશ્રાએ 25 ફેબ્રુઆરીના રોજ ઈરાનના બંદર અબ્બાસ (Bandar Abbas) નજીક સમુદ્રમાં આ માલવાહક જહાજ પર પોતાની ફરજ શરૂ કરી હતી. ત્યારબાદ આ જહાજ 17 એપ્રિલના રોજ પાકિસ્તાનના કરાચી બંદરે પહોંચ્યું હતું. જોકે, સ્થાનિક કોર્ટના આદેશ બાદ 29 એપ્રિલથી જહાજને ત્યાં અટકાવી દેવામાં આવ્યું હતું.

જહાજ અટકાવી દેવાયા બાદ તેના પર સવાર છ ભારતીય નાવિકો પણ ત્યાં જ ફસાઈ ગયા છે. અહેવાલો અનુસાર, નાવિકોના રોજગાર કરાર (Employment Contract)ની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તેમને જહાજ પરથી નીચે ઉતરવાની મંજૂરી મળી નથી. પરિણામે તેઓ લાંબા સમયથી વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.

જહાજમાં વીજળી બંધ, પાસપોર્ટ પણ કબજામાં હોવાનો આરોપ

ચીફ ઓફિસર વિનીત મિશ્રાએ આ સમગ્ર સ્થિતિ અંગે ભારતીય દૂતાવાસને પત્ર લખીને જાણ કરી હતી. નાવિકોનો આરોપ છે કે તેમના પાસપોર્ટ અને સીફેરર્સ બુક (Seafarers Book) સ્થાનિક અધિકારીઓ અથવા જહાજના એજન્ટના કબજામાં છે. આ દસ્તાવેજો વિના તેમના માટે પોતાની રીતે ભારત પરત ફરવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે.

આ ઉપરાંત, જહાજમાં લાંબા સમયથી વીજળીનો પુરવઠો પણ બંધ હોવાનું જણાવવામાં આવ્યું છે. બંદર પ્રશાસન તરફથી નાવિકોને ભોજન આપવામાં આવી રહ્યું છે, પરંતુ અન્ય જરૂરી સુવિધાઓ અને પુરવઠાના અભાવે તેમની મુશ્કેલીઓ વધી રહી છે. ક્રૂ મેમ્બર્સની તબિયત પણ બગડતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જહાજ પરની આ સ્થિતિને કારણે નાવિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

3 વર્ષનો પુત્ર પૂછે છે પિતા ક્યાં છે?

વિનીત મિશ્રાના પરિવાર માટે આ સમય અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. તેમની પત્ની નેહા ત્રણ વર્ષના પુત્ર વેદાંશ, 10 મહિનાની પુત્રી અને આર્મીમાંથી નિવૃત્ત થયેલા સસરા લલિત કિશોર મિશ્રા સાથે દિલ્હી પહોંચ્યાં છે. પરિવાર પહાડગંજની એક હોટેલમાં રોકાઈને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓનો સંપર્ક કરી રહ્યો છે.

નેહાના જણાવ્યા મુજબ, તેમનો ત્રણ વર્ષનો પુત્ર વારંવાર પિતા વિશે પૂછે છે. લાંબા સમયથી પિતાને ન જોઈ શકવાને કારણે બાળક પણ તેમને યાદ કરી રહ્યો છે. બીજી તરફ, પરિવારની આર્થિક સ્થિતિ પણ મુશ્કેલ બની છે અને હાલમાં તેઓ સસરાની પેન્શન પર જીવનનિર્વાહ કરી રહ્યા છે.

ભારત સરકારના હસ્તક્ષેપની પરિવારની માગ

લાંબા સમયથી પ્રયાસો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતાં હવે પરિવાર કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માગ કરી રહ્યો છે. આ મામલે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને ફસાયેલા ભારતીય નાવિકોની સુરક્ષિત વાપસી માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

પરિવારની મુખ્ય માગ છે કે ભારત સરકાર રાજદ્વારી સ્તરે પાકિસ્તાનના સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરે અને કરાચી બંદરે અટવાયેલા તમામ છ ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરે. હવે આ મામલે સરકાર ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરે છે તેના પર નાવિકોના પરિવારોની આશા ટકેલી છે.

 

આ સમાચાર શેર કરો