‘દેશમાં તિરંગો નહીં લહેરાવીએ તો શું પાકિસ્તાનમાં લહેરાવીશું?’ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર સણસણતો સવાલ

દેશની રાજધાની દિલ્હીમાં ‘તિરંગા માર્ચ’ અને વિરોધ પ્રદર્શનો પર પોલીસની કડકાઈ બાદ હવે રાજકીય વાતાવરણ વધુ ગરમાઈ ગયું છે. આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક આક્રમક પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર અને પોલીસ વહીવટીતંત્ર પર સીધો નિશાન સાધ્યો છે.
કેજરીવાલે X પર શું કહ્યું?
અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ શબ્દોમાં સવાલ ઉઠાવ્યો હતો કે, "આપણે આપણા પોતાના દેશમાં તિરંગો નહીં લહેરાવીએ તો શું પાકિસ્તાનમાં લહેરાવીશું?" તેમણે નાગરિકો દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવાના શાંતિપૂર્ણ અધિકાર પર મુકવામાં આવી રહેલા પ્રતિબંધો અને કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વિવાદનું મુખ્ય કારણ શું છે?
રાજધાની દિલ્હીમાં કનોટ પ્લેસ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી હતી અને પરવાનગી વગર તિરંગા માર્ચ યોજવા નીકળેલા વિવિધ સંગઠનોના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. વહીવટીતંત્રનું કહેવું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ફ્લેગ કોડનું પાલન સુનિશ્ચિત કરવા આ પગલાં લેવામાં આવ્યા છે.
બીજી તરફ, વિપક્ષી નેતાઓ અને પ્રદર્શનકારીઓનો આરોપ છે કે શાંતિપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવવો અને લોકતાંત્રિક રીતે વિરોધ નોંધાવવો એ દરેક નાગરિકનો અધિકાર છે. તેને દબાવવા માટે સુરક્ષા એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કેજરીવાલની આ વિસ્ફોટક પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે અને સત્તાપક્ષ તથા વિપક્ષ વચ્ચે નવેસરથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.








