Video: પ.બંગાળના દક્ષિણેશ્વર રેલવે સ્ટેશને મોટી હોનારત કેવી રીતે ટળી વીડિયોમાં જૂઓ

સોર્સ: gstv

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા..અહીનું દક્ષિણેશ્વર રેલવે સ્ટેશન..અહીં રોજની જેમ બધુ બરાબર ચાલી રહ્યુ હતુ.. રોજની જેમ હજારો મુસાફરો પોતાના કામ ધંધા માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા હતા.ત્યાં એક એવી ઘટના સર્જાઈ જેણે અહીં હાજર હજારો લોકોનો શ્વાસ અધ્ધર કરી નાખ્યાં.. એક એવી ઘટના..એક એવી ઘટના જેનુ તણખલુ જો આગ બની જાત તો હજારો લોકો આજે મોતના મુખમાં ધકેલાઈ જાત.

સ્ટેશન પર થોડીવાર પહેલા જ એક લોકલ ટ્રેન પર આવી હતી.. આ લોકલ ટ્રેન ઉપર વીજ વાયર તૂટી પડયો.અગ્યાર હજાર વોલ્ટનો ઓવરહેડ વીજળીનો તાર તૂટીને સીધો ટ્રેન પર પડ્યો . હાઈ-વોલ્ટેજ વીજળીના સંપર્કમાં આવતા જ ટ્રેનની આસપાસ તેજ તણખા ઝરવા લાગ્યા અને આખા પ્લેટફોર્મ પર ધુમાડો ફેલાઈ ગયો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં વીજળીના તણખાની તીવ્રતા અને ત્યારબાદ મચેલી ભાગદોડ જેવી સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે.જાણે આકાશમાંથી વીજળીના કડાકા-ભડાકા થતા હોય તેવા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ટ્રેનની અંદર બેઠેલા મુસાફરો અને પ્લેટફોર્મ પર રાહ જોઈ રહેલા લોકોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો જેટલી બને તેટલી ઝડપથી જીવ બચાવવા ભાગ્યા

જાહેરાત

આ પ્રકારની ઘટનામાં નાસભાગને કારણે પણ મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવતા હોય તેવા બનાવો બને છે. પરંતુ અહીં સદનસીબે આટલા ભયાનક દ્રશ્યો છતાં દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થયાના સમાચાર નથી. મુસાફરોના સુરક્ષિત બચાવ પાછળનું સંભવિત કારણ ટ્રેનની મેટલની બોડી માનવામાં આવી રહ્યું છે. ધાતુનું બનેલું વાહન ફેરાડે કેજની જેમ કામ કરી શકે છે, જેના કારણે વીજળીનો કરંટ અંદર જવાને બદલે માત્ર તેની બહારની સપાટી પરથી પસાર થઈ જાય છે. જોકે, નિષ્ણાતોના મતે તેનો અર્થ એ નથી કે મુસાફરો આપમેળે સંપૂર્ણ સુરક્ષિત હોય છે. આવી સ્થિતિ અત્યંત જોખમી હોવાથી જ્યાં સુધી રેલવે અધિકારીઓ વીજ સપ્લાય બંધ થયાની પુષ્ટિ ન કરે, ત્યાં સુધી મુસાફરોએ ટ્રેનના બહારના ભાગને અડકવું કે નીચે ઉતરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

વીજળીની આ ખામીને દૂર કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધાં, જેના કારણે સામાન્ય રેલ વ્યવહાર પણ ખોરવાયો હતો. દક્ષિણેશ્વર સ્ટેશનની આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ બનાવ સમગ્ર રેલવે નેટવર્કમાં નિયમિત નિરીક્ષણ, યોગ્ય જાળવણી અને ઝડપી ઈમરજન્સી પ્રતિસાદનું મહત્વ દર્શાવે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ ખામી પકડી શકાય તે માટે ઓવરહેડ વીજ ઉપકરણોની સતત દેખરેખ જરૂરી છે. ભલે આ અકસ્માતમાં સૌ કોઈ ઈજા વિના બચી ગયા હોય, પરંતુ આ ઘટના એક ચેતવણી છે કે રેલવે સુરક્ષાને માત્ર નસીબના ભરોસે છોડી શકાય નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત