ટોલ ચોરી માટે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારા સાવધાન! 5 ગણો ટોલ વસૂલવાની તૈયારી

ટોલ ચોરી માટે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારા સાવધાન! 5 ગણો ટોલ વસૂલવાની તૈયારી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ટોલ ટેક્સ બચાવવા માટે વાહન ચાલકો અનેક પ્રકારના ગતકડાં અજમાવતા હોય છે, જેમાં ગાડીની નંબર પ્લેટ સાથે ચેડાં કરવા કે તેના કોઈ ભાગને છુપાવવાનો પ્રયાસ પણ સામેલ છે. પરંતુ હવે બેરિયરલેસ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની ચોરી કરવા માટે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારા વાહન માલિકોની ખેર નથી. કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓને રોકવા માટે સામાન્ય ટોલ દર કરતાં 5 ગણો વધુ દંડ વસૂલવાની તૈયારી કરી રહી છે. જો કોઈ વાહન માલિક ટોલ બચાવવા માટે નંબર પ્લેટમાં ફેરફાર કરશે અથવા તેને છુપાવશે, તો તેણે સામાન્ય ટોલ કરતાં 5 ગણી રકમ ચૂકવવી પડી શકે છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ને આ દંડની વ્યવસ્થા પાઈલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવા અને વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાવવા નિર્દેશ આપ્યો છે. મહત્ત્વની બાબત એ છે કે આ ભારે ટોલ પેનલ્ટી મોટર વ્હીકલ એક્ટ હેઠળ લાગતા ચલણ કરતાં અલગ રહેશે.

જાહેરાત

5 ગણો ટોલ અને ₹10,000 સુધીના ચલણનો બેવડો માર

હવે જો કોઈ વ્યક્તિ ટોલ ટેક્સ ચોરવાના ઈરાદે નંબર પ્લેટ સાથે ચેડાં કરશે, તો તેને આર્થિક રીતે બેવડો ફટકો પડી શકે છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નિયમોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે, જે હેઠળ નંબર પ્લેટ સાથે ચેડાં કરતા પકડાઈ જવા પર NHAI જેવી હાઈવે એજન્સીઓ સામાન્ય ટોલ કરતાં 5 ગણો વધુ ચાર્જ વસૂલી શકશે. આ ઉપરાંત, રાજ્ય પરિવહન વિભાગ મોટર વ્હીકલ એક્ટ હેઠળ પ્રથમ વખત નિયમ ભંગ બદલ ₹5,000 અને બીજી વખત પકડાઈ જવા પર ₹10,000 સુધીનું અલગથી ચલણ પણ કાપી શકશે.

AI કેમેરાથી પકડાશે નિયમ તોડનારા વાહનો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી થોડા મહિનાઓમાં એક એવી અત્યાધુનિક સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જે ટોલ પ્લાઝા પર લેવામાં આવેલી તસવીરો, વાહનની વિગતો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી એવા વાહનોને તરત ઓળખી કાઢશે, જેમની નંબર પ્લેટ સાથે ચેડાં કરાયા હોય અથવા નંબર છુપાવવામાં આવ્યા હોય.

આ સમાચાર શેર કરો

જાહેરાત