હવે ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઈનો! 80ની સ્પીડે પસાર થતાં જ કપાશે ટોલ ટેક્સ, જાણો નવી MLFF ટેકનોલોજી

હવે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનોમાં ઊભા રહેવાની અને બેરિયર ખુલવાની રાહ જોવાની ઝંઝટનો કાયમી અંત આવવા જઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ટોલ વસૂલાત માટે એક અત્યંત આધુનિક ટેકનોલોજી લાગુ કરવામાં આવી રહી છે, જેનું નામ MLFF એટલે કે 'મલ્ટી-લેન ફ્રી ફ્લો' સિસ્ટમ છે. આ નવી વ્યવસ્થા હેઠળ ટોલ નાકા પર કોઈ બેરિયર નહીં હોય અને વાહનો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થશે તો પણ વાહનના 'ડિજિટલ ફિંગરપ્રિન્ટ' ની મદદથી ટોલ ટેક્સ આપોઆપ કપાઈ જશે.
વર્તમાન FASTag સિસ્ટમ કરતાં કેવી રીતે અલગ છે આ નવી ટેકનોલોજી?
રોકાવાની કે સ્પીડ ઘટાડવાની જરૂર નહીં: હાલની FASTag સિસ્ટમમાં ભલે પૈસા ડિજિટલ રીતે કપાતા હોય, પરંતુ તેમ છતાં વાહનને બેરિયર પાસે થોભવું પડે છે, જ્યાં કેમેરા ટેગ રીડ કરે છે અને ત્યારબાદ બેરિયર ખુલે છે. પરંતુ MLFF સિસ્ટમમાં ટોલ નાકા પર કોઈ બેરિયર જ નહીં હોય.
80 km/hની રફતારે ટોલ કપાશે: વાહનચાલકને બ્રેક મારવાની કે ગાડી ધીમી પાડવાની પણ જરૂર નહીં પડે. જો તમારી ગાડી 80ની સ્પીડે પણ ટોલ નાકા પરથી પસાર થશે, તો ઉપર લાગેલા સેન્સર અને કેમેરા વાહનનું 'ફિંગરપ્રિન્ટ' સ્કેન કરીને તરત જ ટોલ કાપી લેશે.
આખરે શું હોય છે વાહનનું 'ફિંગરપ્રિન્ટ' અને 'ગેન્ટ્રી' માળખું?
માણસની આંગળીઓની છાપની જેમ દરેક વાહનની પણ પોતાની એક ખાસ ડિજિટલ ઓળખ હોય છે, જેને ટેકનિકલ ભાષામાં વાહનની ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે.
બેરિયરને બદલે 'ગેન્ટ્રી': આ સિસ્ટમ હેઠળ દરેક લેનની ઉપર એક ઊંચો ગેટ જેવો ઢાંચો બનાવવામાં આવે છે, જેને 'ગેન્ટ્રી' કહેવાય છે. આ ગેન્ટ્રી પર RFID રીડર, હાઈ-ડેફિનેશન કેમેરા અને અત્યાધુનિક સેન્સર્સ લાગેલા હોય છે.
X-રે અને MRI જેવા 'લિડાર સેન્સર્સ': ગેન્ટ્રી પર ખાસ LiDAR સેન્સર્સ લગાવવામાં આવે છે, જે પસાર થતા વાહન પર લેઝર કિરણો છોડે છે. જ્યારે આ કિરણો વાહન સાથે અથડાઈને પાછા ફરે છે, ત્યારે સિસ્ટમ વાહનની ચોક્કસ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી લે છે.
16 પૈડાંવાળી ટ્રકના એક્સલથી લઈને રંગ સુધીની નોંધ: આ સેન્સર્સ અને કેમેરા 16 પૈડાંવાળી ભારે ટ્રકના પૈડાં, તેના એક્સલની સંખ્યા, વાહનનો રંગ અને તેની બોડીના સમગ્ર આકારનો ડેટા સેકન્ડોમાં રેકોર્ડ કરી લે છે.
ત્રણ સ્તરે થશે તપાસ: ચોરીના વાહનો અને ટોલની છેતરપિંડી તરત પકડાશે
પહેલું સ્તર: RFID રીડર વાહન પર લાગેલા FASTagને સ્કેન કરીને વાહનનો નંબર તપાસશે.
બીજું સ્તર: હાઈ-ડેફિનેશન કેમેરા વાહનની નંબર પ્લેટનો ફોટો પાડીને ખાતરી કરશે કે નંબર પ્લેટ અને FASTagનો નંબર એક જ છે કે નહીં.
ત્રીજું સ્તર: LiDAR સેન્સર વાહનના ડિજિટલ ફિંગરપ્રિન્ટ પરથી નક્કી કરશે કે તે નાની કાર છે, બસ છે કે મોટી ટ્રક. જો કોઈ મોટી ટ્રક પર નાની કારનો FASTag લગાવીને ટોલ બચાવવાનો પ્રયાસ કરાયો હશે, તો સિસ્ટમ તરત જ આ છેતરપિંડી પકડી પાડશે.
બેલેન્સ ઓછું હશે તો પણ ગાડી નહીં રોકાય
જો વાહનના FASTagમાં પૂરતું બેલેન્સ હશે, તો ટોલ અને પર્યાવરણ શુલ્ક આપોઆપ કપાઈ જશે. પરંતુ જો બેલેન્સ ઓછું હશે અથવા ટેગ સ્કેન નહીં થઈ શકે, તો પણ વાહનને રોકવામાં નહીં આવે. તેને બદલે વાહન માલિકના મોબાઈલ પર એક ડિજિટલ નોટિસ મોકલવામાં આવશે અને ટોલ ભરવા માટે 24 કલાકનો સમય આપવામાં આવશે. નિર્ધારિત સમયમાં ચૂકવણી ન કરવા પર અલગથી દંડ ફટકારવામાં આવશે.
સૌપ્રથમ દિલ્હીના 20 મુખ્ય બોર્ડર પર શરૂઆત, ટૂંક સમયમાં નેશનલ હાઈવે પર પણ સુવિધા
દિલ્હીમાં પ્રવેશતા કોમર્શિયલ વાહનો પાસેથી મ્યુનિસિપલ ટોલ અને પ્રદૂષણ શુલ્ક વસૂલતી વખતે બોર્ડર પર ભારે ટ્રાફિક જામ થતો હતો અને વાહનો ચાલુ રહેવાથી ઊલટાનું વધુ પ્રદૂષણ ફેલાતું હતું. આ સમસ્યા ઉકેલવા દિલ્હી નગર નિગમ (MCD) દ્વારા આ સિસ્ટમ લવાઈ રહી છે. પ્રથમ તબક્કામાં ગાઝીપુર, બદરપુર, રાજોકરી, દ્વારકા, આયા નગર, દિલ્હી-ગુરુગ્રામ કોરિડોર, DND ફ્લાયવે અને કુંડલી સહિત 20 મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ પર આ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે, અને કુલ 150 ટોલ નાકા પર તેને લાગુ કરવાનું લક્ષ્ય છે. હાલમાં તેનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
નેશનલ હાઈવે પર ક્યારે આવશે?
દેશના અન્ય નેશનલ હાઈવે પર સામાન્ય લોકોના ખાનગી વાહનો માટે પણ કેટલીક પસંદગીની જગ્યાએ આ સુવિધા શરૂ થઈ ચૂકી છે અને સમગ્ર દેશના હાઈવે પર તેને ઝડપથી લાગુ કરવાની કામગીરી ચાલી રહી છે.








