પેન્શનરો માટે લાલબત્તી સમાન કિસ્સો: વડીલના બેંક ખાતામાંથી ₹1.31 લાખ ગાયબ, જાણો કેવી રીતે થઈ છેતરપિંડી

પેન્શન મેળવતા વડીલોને પોતાનું પેન્શન અવિરત ચાલુ રહે તે માટે દર વર્ષે પોતાનું Life Certificate એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે. પરંતુ આ જરૂરી કામ દરમિયાન એક વડીલ સાથે એવો મામલો સામે આવ્યો છે, જે દરેક પેન્શનરને સાવધ કરનારો છે. ઇન્દોરના એક વરિષ્ઠ નાગરિકના બે બેંક ખાતામાંથી 1.31 લાખ રૂપિયાના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન થઈ ગયા. વડીલ SBI બેંકમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવા પહોંચ્યા હતા. આ મામલે આરોપ લગાવાયો કે બેંકે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે એક અસુરક્ષિત વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેમના બેંક ખાતામાંથી પૈસા નીકળી ગયા. આ ઘટના દર્શાવે છે કે ઓનલાઈન સરકારી અને બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરતી વખતે નાની બેદરકારી પણ ભારે પડી શકે છે. ખાસ કરીને વડીલોએ Life Certificate બનાવવાના નામે આવતા અજાણ્યા ફોન, WhatsApp મેસેજ અને વેબસાઇટ લિંકથી સાવધ રહેવું જોઈએ.
Life Certificate બનાવતી વખતે કેવી રીતે ગાયબ થયા ₹1.31 લાખ
રિપોર્ટ મુજબ ફરિયાદી એક નિવૃત્ત વરિષ્ઠ નાગરિક છે, જેમનું પેન્શન એકાઉન્ટ SBIમાં હતું. તેમના અન્ય બેંકમાં પણ ખાતા હતા. તેઓ SBIની શાખામાં પોતાનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવા પહોંચ્યા હતા. આ સર્ટિફિકેટ બનાવવા દરમિયાન તેનો આધાર નંબર લિંક કરાયો હતો અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પણ કરાયું હતું. એટલે કે તેમની ઓળખની પુષ્ટિ માટે ફિંગરપ્રિન્ટ જેવી માહિતીનો ઉપયોગ થયો હતો. તેના થોડા સમય બાદ જ તેમના મોબાઈલ પર બેંક ખાતામાંથી થયેલા બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનના 13 SMS એલર્ટ આવવા લાગ્યા અને કુલ 1.31 લાખ રૂપિયા ઉપાડી લેવાયા. તેમણે આ મામલે બેંકમાં ફરિયાદ કરી અને બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન સામે સમયસર વાંધો પણ નોંધાવ્યો.
Life Certificateના નામે આ રીતે છેતરપિંડી કરે છે સાયબર ગુનેગારો
આ મામલો બેંક દ્વારા ઉપયોગમાં લેવાયેલી અસુરક્ષિત વેબસાઇટ સાથે જોડાયેલો છે, પરંતુ આ ઉપરાંત પણ સાયબર ગુનેગારો Life Certificateના નામે પેન્શનર્સને નિશાન બનાવે છે. સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ (CPAO) એ પણ આ પ્રકારની છેતરપિંડી અંગે પેન્શનર્સને ચેતવણી આપી છે. તેના મુજબ, ઠગ પોતાને બેંક કે સરકારી વિભાગના અધિકારી ગણાવીને ફોન કરી શકે છે. તેઓ કહે છે કે પેન્શન ચાલુ રાખવા માટે Life Certificate અપડેટ કરવું જરૂરી છે. ત્યારબાદ તેઓ પેન્શનર પાસેથી PPO નંબર, જન્મતારીખ, બેંક ખાતાની વિગત અને આધાર નંબર જેવી ખાનગી માહિતી માંગી શકે છે. ઘણીવાર ઠગ એવું પણ કહે છે કે તેઓ મોબાઈલ પર OTP મોકલી રહ્યા છે, જે જણાવવાથી જીવન પ્રમાણપત્રનું વેરિફિકેશન પૂરું થઈ જશે. કેટલાક કિસ્સાઓમાં તેઓ WhatsApp પર નકલી લિંક કે APK ફાઇલ મોકલીને એપ ડાઉનલોડ કરવા માટે પણ કહી શકે છે.
Life Certificate બનાવતી વખતે આ 4 બાબતોનું રાખો ધ્યાન
1. માત્ર સત્તાવાર વેબસાઇટ અને એપનો ઉપયોગ કરો
ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવા માટે સરકારના સત્તાવાર Jeevan Pramaan પોર્ટલનો ઉપયોગ કરો. તેની વેબસાઇટ jeevanpramaan.gov.in છે. કોઈ અજાણી વેબસાઇટ કે Google સર્ચમાં દેખાતી જાહેરાત પર ભરોસો કરીને પોતાની માહિતી ન ભરો. એપ ડાઉનલોડ કરવી હોય તો સત્તાવાર સ્ત્રોત પરથી જ કરો.
2. OTP, ATM PIN અને બેંક પાસવર્ડ કોઈને ન જણાવો
Life Certificate બનાવવાના નામે કોઈ વ્યક્તિ તમારી પાસે OTP, ATM PIN, CVV કે ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ માંગે તો સાવધ થઈ જાઓ. બેંક કે સરકારી વિભાગના નામે ફોન કરનાર વ્યક્તિ પણ આ માહિતીનો હકદાર નથી. CPAO એ સ્પષ્ટ કહ્યું છે કે સરકારી એજન્સીઓ Life Certificate જમા કરાવવા માટે ફોન પર OTP કે ખાનગી માહિતી માંગતી નથી.
3. અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો
જો WhatsApp કે SMS પર કોઈ મેસેજ આવે કે તમારું Life Certificate એક્સપાયર થઈ ગયું છે અને પેન્શન બંધ થઈ જશે, તો ગભરાઈને લિંક ન ખોલો. પહેલાં પોતાના બેંક કે સંબંધિત પેન્શન વિભાગનો સત્તાવાર નંબર પર સંપર્ક કરીને માહિતીની ખરાઈ કરો.
4. ઘરે બેઠા સેવા જોઈતી હોય તો પહેલાં તેની ખરાઈ કરો
જો વડીલ બેંક જવા માટે અસમર્થ હોય, તો કોઈ અજાણી વ્યક્તિની મદદ લેવાને બદલે બેંકની સત્તાવાર વેબસાઇટ કે શાખામાંથી ઉપલબ્ધ Doorstep Banking સુવિધા વિશે પૂછો. SBIની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, પેન્શનર્સ Jeevan Pramaan એપથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવી શકે છે.










