કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ભેટ : ડીએમાં ૩ ટકાનો વધારો

દિવાળીનાં તહેવાર પૂર્વે કેન્દ્રિય કેબિનેટે બુધવારે મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)માં ત્રણ ટકાનાં વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં ૧.૧૭ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે.
કેબિનેટનાં આ નિર્ણયની જાહેરાત કરતા માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે મોંઘવારીમાં વધારો કરવાનાં સરકારનાં નિર્ણયને દિવાળીની ભેટ ગણાવી હતી.કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનરો માટે ડીઆરમાં કરાયેલો આ વધારો ૧ જુલાઇ, ૨૦૨૬થી અમલમાં આવશે.સત્તાવાર નિવેદન અનુસાર મોંઘવારી સામે રાહત આપવા માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં ૬૦ ટકા ડીએ ચુકવવામાં આવે છે જે હવે વધીને ૬૩ ટકા થઇ જશે.
ડીએ અને ડીઆરમાં કરાયેલા આ વધારાને કારણે સરકારી તિજોરી પર વાર્ષિક ૧૦,૦૬૦.૧૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં આશરે ૪૮.૫૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૭૧ લાખ પેન્શનરોને લાભ થશે.આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત જાન્યુઆરી એને જુલાઇમાં ડીએ અને ડીઆરમાં વધારો કરે છે. અગાઉ તમામ મીડિયા અહેવાલમાં ડીએ અને ડીઆરમાં ૩ ટકાનો વધારો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.વાસ્તવમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સને આધાર બનાવી મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવો તે અંગેનો નિર્ણય લેવામાં આવે છે.









