"વર્દી પહેરી એટલે કાયદાથી ઉપર નથી!" સગીરનું સરઘસ કાઢી ઢોર માર મારવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ

કોઈ પણ ગુનાના આરોપીને પોલીસે જાહેરમાં માર મારવો અને તેનું સરઘસ કાઢવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં, ગુજરાતમાં આવા બનાવો રોજિંદા થઈ રહ્યા છે. આ ગંભીર બાબતે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પટ પિટિશન એટલે કે અદાલતન અવમાનનાની અરજી દાખલ કરાઈ છે. આ અરજીમાં રજૂઆત કરાઈ છે કે, ‘પોલીસ વર્દી પહેરે તેનો અર્થ એ નથી કે તે કાયદાથી ઉપર કે વધુ શક્તિશાળી છે. જાહેરમાં માનવ અધિકારોનું હનન કરીને કોઈને માર મારવો એ અત્યંત અપમાનજનક છે.’
16-17 વર્ષના સગીરને કસ્ટડીમાં ક્રૂરતાપૂર્વક ઢોર માર
અરજદાર આરોપી પક્ષે કોર્ટને રજૂઆત કરતા જણાવ્યું છે કે, ‘ગત 21 જૂનના રોજ દારૂના એક કેસમાં 16 થી 17 વર્ષની વયના સગીર બાળકની ધરપકડ કરાઈ હતી. તેને સતત 3 દિવસ સુધી ગેરકાયદે રીતે પોલીસ કસ્ટડીમાં પૂરી રખાયો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરાયો, ત્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. સગીરના પિતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડીમાં તેમના પુત્ર પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. સગીરના શરીરના વિવિધ ભાગો પર તીક્ષ્ણ હથિયાર/ઘાના નિશાનો મળ્યા હોવાના પુરાવા પણ છે.
કલમ 151 હેઠળ 3 દિવસ જેલમાં ન રખાયઃ સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ
આરોપી પક્ષે દલીલ કરી હતી કે સીઆરપીસી કલમ 151 હેઠળ કોઈ પણ વ્યક્તિને 3 દિવસ સુધી કસ્ટડીમાં ના રાખી શકાય. જો કે, સગીરને 3 વખત કલમ 151 હેઠળ અટકાયતમાં લઈ ગેરકાયદે રખાયો હતો. એટલું જ નહીં, જાહેરમાં તેનું સરઘસ પણ કઢાયું હતું, જે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો અનાદર છે. સામે પક્ષે પોલીસે બચાવ કરતા જણાવ્યું હતું કે, જામીન આપી દેવાયા હોવાથી માર મારવાનો પ્રશ્ન ઊભો થતો નથી.
સરઘસ કાઢીને માફી માગવાથી બનાવો અટકશે?: હાઈકોર્ટ
આ અરજી બાદ પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં માફી માગી હતી. પરંતુ અરજદારે સવાલ કર્યો છે કે, શું પોલીસ સરઘસ કાઢીને બાદમાં માત્ર માફી માગી લેવાથી આવા બનાવો બનતા અટકશે? આ મામલાની ગંભીરતા જોઈ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે સગીરની કયા સમયે ધરપકડ કરાઈ હતી અને તેને કેટલો સમય કસ્ટડીમાં રખાયો હતો.
હાઈકોર્ટે તમામ ચોંકાવનારી વિગતો મગાવી, વધુ સુનાવણી ગુરુવારે
આ મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસ તંત્ર પાસે બનાવની શરૂઆતથી લઈને આરોપીને મુક્ત કરાયો, ત્યાં સુધીની તમામ વિગતો અને ટાઈમલાઈન કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી ગુરુવારે મુકરર કરાઈ છે.








