કોડીનારમાં સિંહણનો આતંક; 30 વર્ષના યુવાનને 300 મીટર ઢસડીને શિકાર કર્યો, લોકોમાં આક્રોશ

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે બનેલી અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ભય અને આક્રોશ ફેલાવ્યો છે. ઘરની બહાર સૂતેલા 30 વર્ષીય શ્રમિક યુવક પર સિંહણે હુમલો કરી તેને 300 મીટર દૂર ખેતરમાં ઢસડી જઈને ફાડી ખાધો હતો. આ અમાનવીય ઘટના બાદ વન વિભાગની કથિત નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા મામલો ગરમાયો હતો.
ઘરની બહાર સુતેલા વ્યક્તિ પર હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક મહેશભાઈ પ્રતાપભાઈ રાઠોડ મજૂરી કામ માટે છેલ્લા બે મહિનાથી પોરબંદર રહ્યા હતા. તેમના દાદાનું અવસાન થતાં તેઓ વતન આવ્યા હતા. ઘટનાની રાત્રે મહેશભાઈ ઘરની બહાર સૂતા હતા, તે દરમિયાન સિંહણે તેમને દબોચી લીધા હતા. વહેલી સવારે પરિવારજનોએ શોધખોળ કરતાં ઘટના સામે આવી હતી. મહેશભાઈના અચાનક મોતથી તેમના 3 દીકરીઓ અને 2 દીકરા સહિત કુલ પાંચ નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. વલાદર ગામમાં અગાઉ પણ દીપડા અને વન્યપ્રાણીઓની અવરજવર અંગે રજૂઆતો કરવા છતાં પૂરતી લાઈટ કે પ્રોટેક્શનની વ્યવસ્થા ન કરાતાં આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
40 લાખ રૂપિયાના વળતરની માગણી
ઘટનાથી આક્રોશિત બનેલા મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ રૂ. 40 લાખનું વળતર આપવાની અને માનવભક્ષી સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ કરી હતી. જ્યાં સુધી ન્યાયિક માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી દેવાઈ હતી. બાદમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ અને હુમલાખોર સિંહણને પકડવા માટે અલગ-અલગ ચાર સ્થળોએ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધર્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.




