મુખ્ય સામગ્રી પર જાઓ

Mahesana/ કાળજું કંપાવતી ઘટના, પિતા ટ્રક રિવર્સ લેતા હતા અને સાઈડ બતાવતો 19 વર્ષનો દીકરો જ કચડાઈ ગયો!

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં એક એવી ઘટના બની છે જે સાંભળ

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં એક એવી ઘટના બની છે જે સાંભળીને કોઈપણનું હૃદય દ્રવી ઉઠે. પિતાની એક નાનકડી ભૂલ અને અકસ્માતને કારણે તેમના 19 વર્ષના વ્હાલસોયા દીકરાએ જીવ ગુમાવવો પડ્યો છે. જે પિતા પોતાના દીકરાના ભવિષ્ય માટે રાત-દિવસ મહેનત કરતા હતા, તેમના જ હાથે અજાણતા દીકરાનો ભોગ લેવાતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

મૂળ રાજસ્થાનના બાડમેરના વતની દેવારામ ચૌધરી અને તેમનો 19 વર્ષીય દીકરો મુકનારામ ચૌધરી ટ્રક લઈને કડીના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલી ગ્રીનફિલ્ડ કંપનીમાં આવ્યા હતા. કંપનીના કામકાજ દરમિયાન પિતા દેવારામ ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા. આ સમયે 19 વર્ષનો દીકરો મુકનારામ પાછળ ઉભો રહીને પિતાને ટ્રક રિવર્સ લેવા માટે સાઈડ બતાવી રહ્યો હતો.

દુર્ભાગ્યવશ, ટ્રક રિવર્સ લેતી વખતે પિતા અંદાજ ન લગાવી શક્યા અને મુકનારામ ટ્રક અને પાછળ રહેલી દીવાલ તેમજ સ્ટેન્ડ વચ્ચે જોરદાર રીતે દબાઈ ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે યુવાન મુકનારામનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પરિવારમાં માતમ અને પોલીસ કાર્યવાહી

પોતાના જ હાથે દીકરાને કચડાયેલો જોઈ પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. જે દીકરો થોડીવાર પહેલા તેમની સાથે વાત કરતો હતો અને મદદ કરી રહ્યો હતો, તેની લાશ જોઈ પરિવારના સભ્યોના હૈયાફાટ રુદનથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ મામલે નંદાસણ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ મામલે મૃતકના પિતા દેવારામ ચૌધરી સામે બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો