મુખ્ય સામગ્રી પર જાઓ

ભાજપ યુવા નેતાનો પોલીસને ખુલ્લો પડકાર, જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસની ધૂમધામથી ઉજવણી કરી

નવસારીના વિજલપોર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર સામાન્ય લોકો માટે જ હોય તેમ લાગ

નવસારીના વિજલપોર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માત્ર સામાન્ય લોકો માટે જ હોય તેમ લાગે છે. ભાજપના શહેર યુવા મોર્ચા પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફ સોનુ પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી જાહેર માર્ગ પર કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ફિલ્મી સ્ટાઇલમાં જાહેર રોડ પર કેક કાપીને આતશબાજી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ વિજલપોલ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કર્યા છે.

ભાજપના યુવા નેતાની જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી

વિજલપોરના શિવાજી ચોક અને ગ્રીન પાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે સોનુ પાટીલ અને તેમના સમર્થકોએ જાહેર માર્ગ પર બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આતશબાજી સાથે બોલિવૂડ સ્ટાઇલમાં કેક કાપ્યો હતો. આ ઘટના દરમિયાન ટ્રાફિક જામ થઇ ગયો હતો અને સ્થાનિક વાહનચાલકો તથા રહીશોને ખૂબ તકલીફ થઇ હતી. વીડિયોમાં જોવા મળે છે કે સોનુ પાટીલ કેક કાપતા કાપતા તેના સમર્થકો સાથે નાચતો-ગાતો જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વિરોધ

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં નેટિઝન્સે તીખી પ્રતિક્રિયા આપી છે. એક યૂઝર્સે ટ્વીટ કર્યું, "ભાજપના નેતાઓ માટે કાયદો અલગ છે? જાહેર માર્ગ પર પાર્ટી કરવી એ તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે!" અન્ય યૂઝર્સે પોલીસ વિભાગને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી છે. શહેરીજનોમાં આ ઘટના વિશે ચર્ચા ચાલી રહી છે અને ઘણા લોકો પૂછી રહ્યા છે કે, "શું પોલીસ ભાજપના યુવા નેતા સામે કાર્યવાહી કરશે?"

આ સમાચાર શેર કરો