VIDEO: શ્રીલંકાએ ઈરાનના બીજા જહાજને પોતાના જળક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપી, 208 લોકોને સુરક્ષિત બહાર કઢાયા
શ્રીલંકાએ ગુરુવારે ઈરાનના બીજા જહાજને પૂર્વી બંદર ત્રિંકોમાલી પર ડોક (
શ્રીલંકાએ ગુરુવારે ઈરાનના બીજા જહાજને પૂર્વી બંદર ત્રિંકોમાલી પર ડોક (લંગર નાખવા) કરવાની મંજૂરી આપી અને જહાજ પર સવાર તમામ 208 કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે આ જાણકારી આપી હતી. આના એક દિવસ પહેલા, શ્રીલંકાની નજીક ઈરાનના એક નૌકાદળના વોરશિપ (ફ્રિગેટ) પર હુમલો થયો હતો. રાષ્ટ્રપતિ દિસાનાયકે જણાવ્યું કે જહાજ 'આઈઆરઆઈએનએસ બુશેહર' (IRINS Bushehr)એ એન્જિનની ખામીનો હવાલો આપીને શ્રીલંકન જળક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી. તેમણે ઉમેર્યું કે માનવતાવાદી સહાય કરતી વખતે અમે તટસ્થ રહેવા માંગતા હતા.
રાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રીલંકાની ભૂમિકા સંઘર્ષમાં સામેલ એક પક્ષની વિનંતી પર પ્રતિસાદ આપવા સુધી જ સીમિત હતી. તેમણે વધુમાં કહ્યું કે, દરેક જીવન અમૂલ્ય છે અને જહાજ પર સવાર તમામ 208 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.
ઈરાની જહાજને શ્રીલંકાના જળક્ષેત્રમાં પ્રવેશની મંજૂરી
અગાઉ દિવસ દરમિયાન, શ્રીલંકાએ જણાવ્યું હતું કે અન્ય એક ઈરાની જહાજે તેના જળક્ષેત્રમાં પ્રવેશની મંજૂરી માંગી છે અને આ બાબતે યોગ્ય પગલાં લેવા અંગે વિચારણા ચાલી રહી છે. શ્રીલંકન સત્તાવાળાઓએ બુધવારે જણાવ્યું હતું કે તેમણે શ્રીલંકાના દક્ષિણ કિનારા પાસે અમેરિકી સબમરીન હુમલામાં ડૂબેલા 'આઈરિસ ડેના' (IRIS Dena) નામના ઈરાની વોરશિપમાંથી આશરે 80 ઈરાની નાવિકોના મૃતદેહ મળી આવ્યા છે.
જહાજ પરના તમામ લોકોના જીવની સુરક્ષા
સરકારના પ્રવક્તા અને મંત્રી નલિંદા જયતિસ્સાએ સંસદમાં મુખ્ય વિરોધ પક્ષના નેતા સાજિત પ્રેમદાસા દ્વારા બીજા ઈરાની જહાજ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, "અમે આ બાબતે માહિતગાર છીએ અને જહાજ પરના તમામ લોકોના જીવ બચાવવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. અમે પ્રાદેશિક શાંતિની રક્ષા માટે આ મુદ્દાના ઉકેલમાં હસ્તક્ષેપ કરી રહ્યા છીએ."
જહાજે કટોકટીની સહાય માટે વિનંતી કરી
જયતિસ્સાએ જણાવ્યું કે આ જહાજ શ્રીલંકાના વિસ્તૃત આર્થિક ક્ષેત્ર (EEZ)માં રાહ જોઈ રહ્યું છે, પરંતુ તે તેના જળક્ષેત્રની બહાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જહાજે ઇમરજન્સી સહાય માટે વિનંતી કરી હતી. આ દરમિયાન, અમેરિકા દ્વારા ટોર્પિડોથી નિશાન બનાવવામાં આવેલા જહાજના જીવિત બચેલા સભ્યોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે તેમની ઈજાઓ ગંભીર નથી.
વિશાખાપટ્ટનમથી પરત ફરી રહ્યું હતું ઈરાની જહાજ
માર્યા ગયેલા 84 ઈરાની નૌસૈનિકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ગૉલની કરાપિટિયા હોસ્પિટલમાં કરવામાં આવશે, જ્યાં ઇજાગ્રસ્તોની સારવાર પણ ચાલી રહી છે. જે જહાજ પર હુમલો થયો, તે નૌકાદળના અભ્યાસ બાદ ભારતના વિશાખાપટ્ટનમથી પોતાના દેશ પરત ફરી રહ્યું હતું. જોકે, શ્રીલંકન નૌકાદળે જહાજે ઇમરજન્સી સંદેશ કેમ મોકલ્યો હતો તેનું કારણ જણાવ્યું નથી, પરંતુ અમેરિકી સંરક્ષણ મંત્રી પેટ હેગસેથે પુષ્ટિ કરી છે કે એક અમેરિકી સબમરીને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઈરાની યુદ્ધજહાજને ડૂબાડી દીધું છે.






