અબુ ધાબીના શાહી પરિવાર સાથે જોડાયેલી મહરાહને લંડનની કોર્ટમાં સજા, જાણો શું છે સમગ્ર મામલો

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતી 32 વર્ષીય મહરાહ અલ નાહયાન (Mahrah Al Nahyan) ફરી એકવાર ચર્ચામાં આવી છે. લંડનની સાઉથવર્ક ક્રાઉન કોર્ટમાં (Southwark Crown Court) તેણે બાળ ઉપેક્ષા (Child Neglect)ના એક આરોપનો સ્વીકાર કર્યો છે. આ કેસ જૂન મહિનાની એક ઘટનાથી જોડાયેલો છે, જેમાં કથિત રીતે કોકેઈનનું સેવન કર્યા બાદ મહરાહ પશ્ચિમ લંડનની એક સડક પર બેભાન હાલતમાં મળી આવી હતી. તેની નજીક ત્રણ વર્ષનું એક બાળક ટ્રાફિકની નજીક ખુલ્લા પગે રમી રહ્યું હતું.
કોણ છે મહરાહ અલ નાહયાન?
મહરાહ અલ નાહયાન અબુ ધાબીના શાહી પરિવાર સાથે લગ્નસંબંધથી જોડાયેલી છે. જોકે, તેના અંગત જીવન અને પરિવાર સાથેના ચોક્કસ સંબંધો વિશે જાહેરમાં મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે.
અલ નાહયાન પરિવાર સંયુક્ત આરબ અમીરાતના સાત અમીરાતમાંથી સૌથી મોટા અબુ ધાબી પર શાસન કરે છે. અહેવાલમાં ન્યૂયોર્ક પોસ્ટને ટાંકીને આ પરિવારની સંપત્તિ આશરે 300 અબજ ડોલર હોવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે.
કોર્ટની કાર્યવાહી દરમિયાન મહરાહને દર મહિને 8,000 યુરો એટલે કે આશરે રૂ. 10.10 લાખનું ભથ્થું મળતું હોવાની માહિતી પણ સામે આવી હતી.
નશાની હાલતમાં રસ્તા પર મળી આવી
અહેવાલ મુજબ, જૂન મહિનામાં મહરાહ કોકેઈન (Cocaine)નું સેવન કર્યા બાદ રસ્તા પર બેભાન હાલતમાં મળી આવી હતી. તેની બાજુમાં એક પુરુષ પણ બેભાન હતો. નજીકમાં દેખરેખ વિના રહેલું ત્રણ વર્ષનું બાળક વાહનોની અવરજવર નજીક રમી રહ્યું હતું.
પોલીસ પહોંચે ત્યાં સુધી રસ્તા પરથી પસાર થતા લોકોએ બાળકની સંભાળ રાખી હતી. પોલીસને સ્થળ પરથી નશાના ઉપયોગ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ મળી હતી, પરંતુ કોઈ ગેરકાયદેસર નશીલો પદાર્થ મળ્યો નહોતો. અહેવાલમાં બાળક સાથે મહરાહનો ચોક્કસ સંબંધ જાહેર કરવામાં આવ્યો નથી.
નશામુક્તિની સારવાર લઈ રહી છે
ઘટના બાદ મહરાહને સરેના વોકિંગ વિસ્તારમાં આવેલી પ્રાયરી ક્લિનિકમાં (Priory Clinic) નશાની લત માટે સારવાર આપવામાં આવી રહી છે. તેના વકીલ સ્ટીફન વુલોએ કોર્ટમાં જણાવ્યું હતું કે મહરાહે પોતાની સ્થિતિ અંગે પસ્તાવો વ્યક્ત કર્યો છે અને લતમાંથી બહાર આવવા માટે પ્રયાસ કરી રહી છે.
તેના વકીલોના જણાવ્યા અનુસાર, મહરાહ ત્રણ મહિનાનો સારવાર કાર્યક્રમ પૂર્ણ કરવા માગે છે. ત્યારબાદ તે સારવાર કેન્દ્રની નજીક રહેવાની અને નાર્કોટિક્સ અનૉનિમસ (Narcotics Anonymous)ની બેઠકોમાં ભાગ લેવાની યોજના ધરાવે છે.
કોર્ટનો શું નિર્ણય આવ્યો?
કોર્ટે મહરાહને બે વર્ષના કમ્યુનિટી ઓર્ડર (Community Order) સાથે પુનર્વસન સંબંધિત શરતોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. સાથે તેને 8,000 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ ઘટના શાહી પરિવાર સાથે જોડાયેલી વ્યક્તિઓની જીવનશૈલી, નશાની લત અને બાળકની સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓને ફરી ચર્ચામાં લાવી છે.








