અમેરિકાના હિન્દુ મંદિરમાં લોહીની નદીઓ વહાવવાનો પ્લાન નિષ્ફળ! 19 વર્ષીય કટ્ટરપંથી પકડાયો

અમેરિકાના એક હિન્દુ મંદિરમાં મોટાપાયે ગોળીબાર કરવાનું ષડયંત્ર રચાયું હોવાના અહેવાલો સામે આવ્યા બાદ ભારતે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપવાની સાથે ચિંતા વ્યક્ત કરી છે.
ઘટના વંશીય ભેદભાવપૂર્ણ અને હિન્દુ વિરોધી : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે આ ઘટનાને વંશીય ભેદભાવપૂર્ણ અને હિન્દુ વિરોધી ગણાવી છે. આ ઉપરાંત અમેરિકામાં ભારત વિરોધી નફરત વધી રહી હોવાનું કહી વિદેશ મંત્રાલયે હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવા મામલે ચિંતા વ્યક્ત કરી છે.
હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર : ભારતે ચિંતા વ્યક્ત કરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે કહ્યું કે, ‘ઈલિનોઈસ રાજ્યના ઓરોરા વિસ્તારમાં એક હિન્દુ મંદિર આવેલું છે, તેને ટાર્ગેટ કરીને મોટાપાયે ગોળીબાર કરવાનું ષડયંત્ર રચ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે અમે ખૂબ જ ચિંતિત છીએ. આ કથિત ષડયંત્રમાં હિન્દુ વિરોધી, વંશીય ભેદભાવપૂર્ણ અને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા જેવી બાબતો પણ સામેલ છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.’
ઘટના મામલે એક યુવકની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 19 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેના પર ઈલિનોઈસના ઓરોરા વિસ્તારમાં એક હિન્દુ પૂજા સ્થળને કથિત રીતે ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.






