'યહૂદીઓ પર ગોળી ચલાવવી છે', હમાસના પૂર્વ ચીફ યાહ્યા સિનવારના 10 વર્ષના પુત્રની ચિઠ્ઠી સામે આવી

હમાસના પૂર્વ વડા યાહ્યા સિનવારના 10 વર્ષના પુત્ર ઇબ્રાહિમની એક ચિઠ્ઠી સામે આવી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા જાહેર કરાયેલી આ ચિઠ્ઠીમાં ઇબ્રાહિમે કલાશ્નિકોવ રાઇફલ (kalashnikov rifle) પકડીને યહૂદીઓ પર ગોળી ચલાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ચિઠ્ઠી 2024માં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સૈનિકોને મળી હતી.
પિતાને યાદ કરતો ઇબ્રાહિમ, સાથે હિંસાની વાતો
ઇબ્રાહિમે આ ચિઠ્ઠી પોતાના પિતા યાહ્યા સિનવારને લખી હતી. તેમાં તેણે પિતાને યાદ કરવાની અને તેમના પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે પિતાને ગળે મળવા અને તેમની સાથે સમય વિતાવવા માગતો હતો. જોકે, ચિઠ્ઠીમાં પિતાને જીતતા જોવા, 'અલ્લાહુ અકબર'ના નારા પણ જોવા મળે છે. સાથે યહૂદીઓ સામે કલાશ્નિકોવનો(kalashnikov rifle) ઉપયોગ કરતા જોવા જેવી વાતો પણ લખવામાં આવી છે.
ઇઝરાયલી સેનાએ ચિઠ્ઠીનો અનુવાદ જાહેર કર્યો છે. તેના અનુસાર, ઇબ્રાહિમે લખ્યું હતું કે તે કાગળ અને પૂંઠામાંથી પિસ્તોલ, ટૅન્ક અને કલાશ્નિકોવ બનાવતો રહે છે. ચિઠ્ઠીમાં તેણે પિતાને પૂછ્યું હતું કે તેઓ ક્યારે પાછા આવશે અને તેને પોતાના હાથોમાં લઈને સુવડાવશે.
'કાશ આ યુદ્ધ પૂરું થઈ જાય'
ચિઠ્ઠીના અંતમાં ઇબ્રાહિમે યુદ્ધ સમાપ્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે પિતાની સલામતી માટે પ્રાર્થના કરતાં લખ્યું હતું કે કાશ યુદ્ધ પૂરું થાય અને તે પોતાના પિતાને સુરક્ષિત જોઈ શકે. તેણે અલ્લાહને પોતાના પિતાની રક્ષા કરવા વિનંતી પણ કરી હતી.
આ વિગતો દર્શાવે છે કે હિંસક સંઘર્ષ વચ્ચે બાળકના મનમાં પિતા પ્રત્યેનો પ્રેમ અને તેમને મળવાની ઝંખના પણ હતી. બીજી તરફ, ચિઠ્ઠીમાં હિંસાનો ઉલ્લેખ બાળકો પર યુદ્ધ અને ઉગ્રવાદી વિચારધારાની સંભવિત અસર અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.
ચિત્રોમાં હથિયારો અને મિસાઇલોનો ઉલ્લેખ
ચિઠ્ઠી સાથે કેટલીક તસવીરો પણ મળી હતી, જે ઇબ્રાહિમે બનાવી હોવાનું જણાવાયું છે. આ ચિત્રોમાં હથિયારો, ગાઝા અને ઇઝરાયલ વચ્ચેની સરહદ નજીક ટૅન્ક તથા ઇઝરાયલી વિસ્તાર તરફ છોડવામાં આવતી મિસાઇલો દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે. IDFએ આ દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે હમાસની કટ્ટરપંથી વિચારધારા ગાઝાની નવી પેઢીને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.
જોકે, આ દસ્તાવેજો ઇઝરાયલી સેનાએ જાહેર કર્યા છે અને ચિઠ્ઠી અંગેની વિગતો તેના અનુવાદ પર આધારિત છે. યુદ્ધની વચ્ચે ગાઝાનાં બાળકોએ હિંસા, વિસ્થાપન અને પરિવારજનોથી વિખૂટા પડવાની પીડા સહન કરી છે.
2024માં માર્યો ગયો હતો યાહ્યા સિનવાર
યાહ્યા સિનવાર ગાઝામાં હમાસના મુખ્ય નેતાઓમાંનો એક હતો અને 2024માં હમાસનો વડો બન્યો હતો. તે જ વર્ષે ઑક્ટોબરમાં ઇઝરાયલી સેનાએ તેને ઠાર માર્યો હતો. ઇઝરાયલે 7 ઑક્ટોબર, 2023ના હુમલાનો મુખ્ય સૂત્રધાર સિનવારને ગણાવ્યો હતો. આ હુમલા બાદ ગાઝામાં યુદ્ધ વધુ ભયાનક બન્યું હતું.








